Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કલેકટર દ્વારા વિવિધ સરકારી એજન્સીને ૭ લાખ ૭૪ હજાર ચો.મી.જમીન ફાળવાઇ : પદ્મકુંવરબાની રૈયામાં બીજી હોસ્પીટલ બનશે

ચૌધરી હાઇસ્કૂલમાં ૩ કરોડના ખર્ચે બનેલ મૂળેબલ હોસ્પીટલ આવતા વીકથી શરૂ થશે : સમાજ સુરક્ષા-જેટકો-જી-સેટ-ગુજરાત વેર હાઉસીંગ-કુમાર છાત્રાલય જેવી સંસ્થાને જમીન અપાઇ... : વેકસીનેશન જીલ્લામાં સુપર ફાસ્ટ કરવા દરેક તાલુકામાં મેગા કેમ્પ, કાલે મેગા કેમ્પમાં એકી સાથે પ૦ હજાર લોકોને રસીનો લક્ષ્યાંક

રાજકોટ તા. રપઃ રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાની અંદર વિવિધ સરકારી એજન્સીને તેમની વિકાસશીલ કામગીરી માટે જંત્રી ભાવ મુજબ કુલ ૭ લાખ ૭૪ હજાર ચો.મી. જમીનની ફાળવણી કરી દેવાઇ છે.

આમાં હાલની પદ્મકુંવરબા સીવીલ હોસ્પીટલ જેવી જ બીજી અદ્યતન હોસ્પીટલ બનાવવા માટે રૈયામાં ૧૦ હજાર ચો. મી. જમીન આપી દેવાઇ છે.

આ ઉપરાંત ઘંટેશ્વરમાં માનસીક બીમારી જેમને હોય અને તેઓ સાજા થયા હોય તેવા લોકોનું જીવન બનાવવા માટે સમાજ સુરક્ષા વિભાગને ૪ હજાર ચો. મી. જમીન અપાઇ છે.

તો વીજ તંત્રના જેટકો ટ્રાન્સમીશન-સબ સ્ટેશન કામગીરી માટે ભડલી-બોરવા-સરપદડમાં ૧ર હજાર ચો. મી. જમીનની ફાળવણી કરી દેવાઇ છે, આ ઉપરાંત જી-સેટ માટે ભાડલા-લોધીકામાં સાત લાખ ચો. મી. જમીનની ફાળવણી કરાઇ છે. આ ઉપરાંત ગુજરાત વેર હાઉસીંગ કાગવડ-પીઠડીયા- લીલાપરમાં ગોડાઉન માટે ૪૩ હજાર ચો. મી. જમીનની ફાળવણી કરાયાનું અને રૈયામાં સરકારી ખરાબામાં કુમાર છાત્રાલય બનાવવા પર૦૦ ચો. મી. જમીન આપવાનું કલેકટરે ઉમેર્યુ હતું.

કલેકટરે જણાવેલ કે ચૌધરી હાઇસ્કુલમાં ઇન્ડો-અમેરિકન સંસ્થાના સહયોગથી ૩ કરોડથી વધુના ખર્ચે ગુજરાતની પહેલી ૧૦૦ બેડની મુવેબલ હોસ્પીટલ ઉભી કરાઇ છે, તે આવતા વીકમાં ચાલુ કરી દેવાશે, હાલ ફાઇનલ ટચીંગ ચાલી રહ્યું છે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે જીલ્લામાં કોરોનાની રસીના બીજા ડોઝ અંગે સૂપર ફાસ્ટ કાર્યવાહી કરવા દરેક તાલુકામાં મેગા કેમ્પની સુચના અપાઇ છે, કાલે મેગા કેમ્પમાં એકી સાથે જીલ્લામાં પ૦ હજાર લોકો રસી લ્યે તેવો લક્ષ્યાંક રખાયો છે.

(3:36 pm IST)