Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પૂ.જલારામબાપા અને પૂ. વિરબાઇ માં નું દામ્પત્ય જીવન ૬૩ વર્ષનું રહેલુ

પરમ વંદનીય પૂ.શ્રી વિરબાઇ માં ની રવિવારે ૧૪૩મી પૂણ્યતિથિ :શ્રી વિરબાઈ માતા અને શ્રી જલારામજીના દેવ દામ્પત્યને શત શત પ્રણામ વંદન

 હાલ વર્ષ ૨૦૭૮ વિક્રમ સંવત

અવસાન ૧૯૩૫ વિક્રમ સંવત

પુણ્યતિથિ ૧૪૩ વિક્રમ સવત

વીરબાઈમાંનો સ્વર્ગવાસ ૧૯૩૫ વિક્રમ સંવત

વીરબાઈમાંના લગ્ન ૧૮૭૨ વિક્રમ સંવત સેવા કાર્ય સહજીવન ૬૩ વર્ષ

જલારામજીને જનોઈ ૧૮૭૦ વિક્રમ સંવત

જલારામજીના લગ્ન ૧૮૭૨ વિક્રમ સંવત

પ્રથમ પરચો સાધુ મંડળીનો ૧૮૭૩ વિક્રમ સંવત

બન્નેની ચાર ધામ યાત્રા ૧૮૭૪ વિક્રમ સંવત

અન્નક્ષેત્રની શરૂઆત ૧૮૭૬ વિક્રમ સંવત

સંવત કારતક વદ ૯ નવમી, તા. ર૮-૧૧-૨૧ રવિવારના રોજ, વંદનિય પૂજ્યશ્રી વીરબાઈ માતાની ૧૪૩ મી પુણ્યતિથિ છે.

  શ્રી જલારામજીનું લગ્ન સંવત ૧૮૭૨ માં થયેલું. આટકોટના લોહાણા વેપારી શ્રી પ્રેમજીભાઈ સોમૈયાના દિકરી વીરબાઈ સાથે થયું હતુ. આટકોટમાં શ્રી પ્રેમજીભાઈ પણ ભગત નામે જાણીતા હતા. કાકા શ્રી વાલજીભાઈની દુકાને જલારામજી બેસતા. સાધુઓની મંડળીને સિધુ સામાન આપ્યાની ઘટનામાં જલારામજીને, પાડોશી વેપારીને, ખુદ સાધુ મંડળીને પ્રત્યક્ષ પુરાવા જેવો પરચો, અનુભુતિ સંવત ૧૮૭૩ થતા, ઘરેઆવીને પત્નિ વીરબાઈ માં ને ઘટના જણાવતાં બન્નેમાં એક જબરૂ મોટું આત્મમંથન થયુ. પરિવર્તન આવ્યું. વિરબાઈમાં માટે પણ આ પ્રથમ ચમત્કાર હતો. વીરૂબેનમાંથી વિરબાઈમા થવાનો આ ટર્નીંગ પોઈન્ટ પરિવર્તન પ્રસંગ હતો.

જલારામજી અને વિરબાઈમાનું

દામ્પત્ય જીવન, પુરા ત્રેસઠ ૬૩ વર્ષનું રહ્યું.

 વીરબાઈ માતાના ખાતે

જમા પ્રસંગો જોઈએ.

(૧) અન્નક્ષેત્રનો પ્રસંગ : અન્નક્ષેત્રનો વિચાર પણ વિરબાઈ માતાએ આપેલો. કરકસર, સાદા સીધા જીવન કારણે પોતાની જમીનમાં બન્ને ખેતીકામ પણ કરતા. આમ કરતા કરતા ચાલીસ મણ જેટલા અનાજની (ઘઉં-બાજરી) બચત થઈ. કુટુંબની વાર્ષિક જરૂરીયાત કરતા આ ચાલીસ મણ અનાજનો વધારો રહેતા, જલારામજીએ વિરબાઈ માતાને પૂછયું કે, કોઠારી (ભંડારી) આ વધારાનુ અનાજ આપણા માટે તો જરૂરીયાત બહારનું છે આનું શું કરીશું ? એક પણ મિનિટના વિલંબ વિના વીરબાઈ માતાએ કહ્યું કે જો તમો સંમત હો, તો સાવ નાના પાયે, પણ મજબુત પાયે અન્નક્ષેત્ર શરૂ કરીએ અને આપણામા તો કહેવત છે કે,

. ''જયાં અન્ન ટુકડો, ત્યા હરિ ઢુકડો''

.  દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ

ઈન સે બડા કુછ હે નહિ, જગમેં દુજા કામ

.કહત કબીરા સુન મેરે સાધુ, દોબા ન શીખ લે

કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે

. જગમેં કરને કા હે દો હી કામ

ભોજન કરા દે, લે લે હરિ કા નામ

  બસ આમ જ વીરબાઈમાએ અન્ન ક્ષેત્રનો સુવિચાર રજૂ કર્યો. જલારામ બાપાએ સ્વીકાર્યો અને અન્નક્ષેત્ર શરૂ થયું. વિક્રમ સંવત ૧૮૭૬ મહામાસથી અંદાજે ઈસવીશન જાન્યુઆરી ૧૮૨૦ થી.

 આમ ૨૦૨ વર્ષનું અન્નક્ષેત્રનું માતૃશ્રી વીરબાઈમા ખાતે જમા બોલે છે.

ઘંટીના પથ્થરનો પ્રસગઃ (૨) જુના જમાનામાં કાર્ય વિભાજનની દ્રષ્ટિએ કહીએ તો મોટાભાગના કે તમામ  ઘરકામ માતા, બહેનોના ભાગે આવતા. વળી એ જમાનામાં જંકફુડ-ફાસ્ટ ફુડ - પેકેજ ફુડ તો ન જ હોય પણ અનાજ કરીયાણાની જેમ તૈયાર પેક પણ ન હોય. ૫૦૦ ગ્રામ બાજરીના લોટનું પેકેટ અત્યારે કહીએ કે તરત જ હાથમાં આપી દે પણ ત્યારે એવું ન હતું. એક મોટો પ્રસંગ બની ગયા. ધ્રાંગ્રધા નરેશ પોતાના કાફલા સાથે, સોમનાથ પ્રભાસ પાટણ જતા હતા. જલાબાપાના નિયમ પ્રમાણે તમામને પ્રસાદ લેવા કહ્યું. નરેશ રોકાયા, કાફલો રોકાયો. બાપાએ માત્ર બે જ ટોપલા ભરી તમામને લાડવા ગાઠીયા પ્રેમથી જમાડયા. ધ્રાંગધ્રા નરેશ આશ્ચર્યચકિત થયા. સમજી ગયા કે બે જ ટોપલાથી આ શક્ય ન બને. ભગતના હાથમા ઈશ્વરની, અન્નદેવની અન્નુપર્ણા માતાની અચૂક જશરેખા, કૃપારેખા છે. બહુ રાજી થઈને ભગતને કહ્યું કે જલારામજી આપ કઈ માંગો અને આપ માંગો તે આપવાનો મારો ધર્મ છે. માગો, માગો વિનંતી કરૃં છું કે રાજ પાસે કાંઈક માગો. રાજ નિરાશ નહી કરે. માગો, ગામ-ગરાસ-ખેતર-જમીન-રોકડ નાણુ માંગો મને આજ આપના અન્નક્ષેત્રની સેવા કરવાની બળવતર ઈચ્છા છે. કાંઈ નહિ માગો તો મને દુઃખ થશે. આવી લાગણી જોઈ જલારામજી બોલ્યા કે, અમારા કોઠારી / ભંડારી અને અન્ય બહેનોને હાથે લોટ દળવાની મુશ્કેલી રહે છે. આપના વિસ્તારની પથ્થરની ખાણો બહુ વખણાય છે. નાની ઘરઘંટીથી કામને પહોંચાતું નથી. જો આપને અનુકુળ લાગે તો અમારા બહેનોને થોડી રાહત રહે તેવા શુભ હેતુથી કહું છું કે ખૂબ મોટી ઘંટી-ઘંટુલો હોય તો ધાણીની માફક બળદની મદદથી ઘંટી ચલાવી ઘઉં-બાજરી દળી દળીને મોટા જથ્થામાં લોટ તૈયાર કરી શકાય. ભંડારી/કોઠારી ઉપરાંત અન્ય બહેનો રાધવાના અન્ય કામમાં સેવા આપી શકે. ધ્રાંગધ્રા નરેશે ખુબ મોટી ઘટી બની શકે તે માટે ઉપર નીચેના બે ખુબ મોટા પથ્થરો તો મોકલ્યા સાથે પોતાના રાજના કારીગરોને આ બધુ બનાવી આપવા પણ સાથે મોકલ્યા અને એટલુ જ નહિં પણ ખૂબ મજબુત ઓલાદના બે અલમસ્ત બળદોની જોડી મોકલી અને ખરેખર આનાથી ઘણી રાહત થઈ પરિણામે અન્નક્ષેત્રનું કાર્ય વધુ  સંતોષપ્રદ રીતેં થયું. હવે તો અનાજ દળવાનો પ્રશ્ન રહેતો નથી છતાં પણ વીરપુરના જલારામ મંદિરમાં આ બળદથી ચાલતી ઘંટી પ્રસાદ પ્રતિક તરીકે દર્શનાથે મુકવામાં આવી છે. માત્ર વીરબાઈમાંના ખાતે આ બીજો પ્રસંગ જમા બોલે છે.

દેવું ચુકવવાનો પ્રસંગ : (૩) જલારામ દંપતિ, જલારામ પરિવારનું અન્નક્ષેત્ર સદાવ્રત ખૂબ જ સારી રીતે પ્રતિષ્ઠાબદ્ધ રીતે ચાલી રહ્યું હતું અને આજ સુધી ચાલી રહ્યું છે અને ચાલતુ રહેશે જ એમા! કોઈ પ્રશ્ન જ નથી.

તે જમાનામાં પણ દાનનો અન્નદાનનો પ્રવાહ ચાલુ જ હતો તો પણ તેલ, ઘી, કઠોળ, શાકભાજી, પાલા-મસાલા, કરીયાણા વિગેરેના લીધે થોડું દેવુ થઈ ગયું. જો કે કરીયાણાનો વેપારી પણ ડાહ્યો ખાનદાન હતો. જલારામને ખૂબ જ ઠાવકાઈથી પુરતા વિવેક વિનયથી કહ્યું કે બાપા કાંઈ ચિંતા ન કરતા મારા જૂના બીલ નિરાંત આપશો તો ચાલશે. સગવડ ન હોય તો પણ સદાવ્રત ચાલુ રાખજો મને કાંઈ થોડું મોડુ ચૂકવાય તો પણ વાંધો નથી, સહેજ પણ મુઝાતા નહિં, આમ કાને વાત નાંખી દીધી.

જલાબાપા પણ સમજી ગયા, ખેદ થયો. મોઢું નિરાશ થઈ ગયુ. ઘરે જતા વીરબાઈમાંને ખ્યાલ આવી ગયો કે, નક્કી, કંઈક થયું છે. ખુલાસાથી વાત કરી. વીરબાઈ માતાએ કહ્યું કે હું આપની ઘરની કહેવાઉ ખરીને ? તો મારા ઘરેણા પણ મારા એ તમારા જ ગણાયને ? આમેય હું કયારેય પહેરતી પણ નથી. પોતાના સોગંદ આપીને, કરીયાણાના વેપારીનું દેવુ ચુકવી આપવા મોકલ્યા. જલારામ બાપા પણ ખિન્ન હદયે વેપારીને ત્યાં ગયા અને કહ્યું કે ચૂકવણી કરી હજુ ઘટે તો બાકીના થોડા દહાડામાં આપી જઈશ. ચુકવણી કરતા ય પૈસા વધે તો પરત ન લેતા ભાવિ હિસાબ પેટે રાખી લેજો.

વેપારી તો આ દામ્પત્ય જોઈને દંગ થયો. માફી માગી, બધા જ દાગીના પરત કર્યા. પસ્તાવો, પ્રાયશ્ચિત કર્યો અને સામેથી બાંહેધરી આપી કે હવેથી કોઈ ચિંતા ન કરતા. જયારે જેટલું જે જોઈતું હોય તે મંગાવી લેજો. આ તો હવેથી મારો ભકિતમાં ભાગ થયો ગણાય. વીરબાઈમાને કહીને મારી માફી માંગજો. આ ત્રીજો પ્રસંગ પણ વિરબાઈ માતાને ખાતે જમા થાય છે.

 જોળી-ધોકાનો આખરી પ્રસંગ : (૪)ખુદ ભગવાનને પણ જલારામજી અને વિરબાઈ માતાની આખરી કસોટી કરવાની ઈચ્છા થઈ. ઈશ્વર અતિ વૃદ્ધ એવા સાધુનું રૂપ ધરી આવે છે. જલારામ બાપા સેવા માટે પુછે છે. સાધુ કહે છે કે હુ અતિ વૃદ્ધ છૂં, સતત બિમાર રહુ છું, એકાકી છુ, અન્ય કોઈ સેવા કરનાર નથી. તો હું તમારી પાસે માંગુ છું કે, તમારા પત્નિને તમે મારી સેવા-ચાકરી માટે મોકલો, મને રાહત મળશે. તમારા પરિવાર પર મારા આશિર્વાદ રહેશે. જલારામબાપાએ પુર્ણ સ્વસ્થતાથી સાંભળી લીધું, જવાબ આપ્યો આપ ગામના ઝાપા પાસે શિવમંદિરે બિરાજો, હું હમણાં જ ભોજન પહોંચાડુ છું. જમીને આરામ કરો ત્યાં સુધીમાં મારા પત્નિ, પરિવાર વડિલો સાથે વાત કરીને સાજે જવાબ આપું છુ. લોકશાહી ઢબે પરિવાર વડિલોને વાત કરી. વિરબાઈમાં પોતે પણ પોતાની રીતે સંમત થયા. સૌ સમજતા હતા કે આ માત્ર કસોટી છે. બાપા, વિરબાઈમાતાને લઈને શિવ મંદિરે જાય છે. વિરબાઈ માતાને સોંપી ઘરે પરત આવે છે. જલારામદંપતિ અને પરિવાર પ્રભુની કસોટીમાં સફળ થાય છે. પ્રભુ વિરબાઈમાને, પોતાના 'ઝોળી ધોકો' સોંપીને હમણાં આવુ છું કહી નિકળી જાયે છે પરત આવતા નથી. સાંજે વિરબાઈમાં પરત આવે છે. આ ઝોળી ધોકો આજે પણ વીરપુર જલારામ મંદિરમા દર્શનાર્થે મુક્યા છે. ચોથો પ્રસંગ પણ વિરબાઇમાતાને ખાતે જમા થાય છે.

 આ છે ગૃહસ્થી - આ છે દામ્પત્ય. આ છે ભારતના લગ્ન સંસ્કાર. આ છે વિરબાઈ માતાની, સતી, મહાસતી, મહાશકિત, ધર્મ પરાયણ પરિવાર પરાયણ નારીની ગૃહિણીની તાકાત. સમગ્ર ભારત આના પર ટકી રહ્યું છે. (૪૦.૫)

રતુભાઇ શીંગાળા

રાજકોટ

ફોન નં. ૦૨૮૧-૨૪૭૯૭૦૦

(10:56 am IST)