Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જુદા જુદા બનાવમાં દાઝી જતાં ૩ વર્ષની અંજલી અને ૨ાા વર્ષના યુગનું મોત

મંછાનગરની બાળકી દિવાળી પહેલા ફટાકડા ફોડતાં દાઝી'તીઃ કિસાનપરાનો બાળક પાંચ દિ' પહેલા ગરમ પાણીથી દાઝયો'તો

રાજકોટ તા. ૨૬: દાઝી જવાના બે બનાવમાં ફટાકડા ફોડતી વખતે દાઝેલી મંછાનગરની ત્રણ વર્ષની બાળકીનું અને ગરમ પાણીથી દાઝી જતાં કિસાનપરામાં રહેતાં અઢી વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.

માર્કેટ યાર્ડ પાસે મંછાનગર-૯માં રહેતી અંજલી રામુભાઇ સોલંકી (કોળી) (ઉ.વ.૩) દિવાળી પહેલા ઘર પાસે સાંજે પાંચેક વાગ્યે ફટાકડા ફોડતી હતી ત્યારે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેનું ગત સાંજે મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આજીડેમના એએસઆઇ કે. વી. ગામેતીએ જરૂરી કાર્યવાહી કરી હતી. અંજલી ચાર બહેનમાં નાની હતી. તેના પિતા મજૂરી કામ કરે છે.

બીજા બનાવમાં કિસાનપરા-૧માં રહેતા ભરતભાઇ વડેચા (કોળી)નો પુત્ર યુગ (ઉ.વ.૨ાા) ૨૧/૧૧ના સાંજે ઘરમાં રમતો હતો ત્યારે ગરમ પાણીની ડોલ ઢોળાતાં બંને પગે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારજનો શોકમાં ડુબી ગયા હતાં. એ-ડિવીઝનના આર. એસ. વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુગ બે ભાઇમાં નાનો હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે.

(10:56 am IST)