Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ભાવવંદના પર્વ ઉપક્રમે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં રીબડા ગુરુકુલ (રાજકોટ) ખાતે ઉજવાયેલ શાકોત્સવ રાજકોટ અને તેના વિસ્તારમાં 500 ઉપરાંત ધેર ઠાકોરજી અને સંતોની પધરામણી

રાજકોટ તા. ૨૬ ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્વિદ્યા પ્રવર્તનના અદ્ભૂત શ્લોકને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે આજથી ૭૫ વર્ષ પહેલા રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી. જોત જોતામાં તો દેશ વિદેશમાં ગુરુકુલના માધ્યમથી સંસ્કારયુક્ત શિક્ષણની સુગંધ વસંતની વનરાઇની જેમ ચોતરફ પ્રસરી ગઇ અને પ્રસરી રહી છે. મહાપુરુષે વાવેલું સદવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.

   શાસ્ત્રીજી મહારાજ ધામમાં સિધાવ્યા તેને આજે ૩૪ વર્ષ થયા છે ત્યારે આજે તેમનું કાર્ય દિન પ્રતિદિન સમુદ્રમાં આવતી ભરતીની જેમ પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે.

   આવા મહાન સંતનું જીવન ચરિત્ર સાંગોપાંગ લખવું એ મહાન કઠિન કાર્ય છે, છતાં તે મહાન પુરુષના કૃપાપાત્ર શિષ્ય સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ અથાગ પરિશ્રમ વેઠીને આશરે પચીસસો પાનામાં સ્વામીનું જીવન ચરિત્રનું લખાણ શ્રી ધર્મજીવન ગાથા તરીકે તૈયાર થયેલ કરેલ  છે.

તે ગાથાનો વિમોચન કાર્યક્રમ આગામી માર્ચ 6 માર્ચ 2022 ના રોજ છારોડી ગુરુકુલ ખાતે થશે.

     તેમજ તાજેતરમાં દિવંગત થયેલ આત્માઓની પવિત્ર સ્મૃતિમાં તેમજ તેઓના મોક્ષ માટે આગામી તા. ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ દરમ્યાન ગુરુકુલ રીબડા ખાતે ૧૦૮ શ્રીમદ્ ભાગવત તથા સત્સંગીજીવન ગ્રન્થની સંહિતા પારાયણ રાખેલ છે.

   આ ભાવવંદના ઉત્સવ અંતર્ગત રીબડા ગુરુકુલ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં ગુરુકુલના સંતો દ્વારા રાજકોટ તેમજ આજુબાજુના ગામડાઓમાં ઠાકોરજી અને સંતોની પધરામણી રાખેલ જેમાં ૫૦૦ ઉપરાંત હરિભકતોને ધેર ઠાકોરજી અને સંતોની પધરાણી કરેલ. આ ઉપરાંત ઢોલરા ગામે અને ગુરુકુલ રીબડાને આંગણે શાકોત્સવ રાખેલ

   આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ તો ઉત્સવીયા ભગવાન કહેવાય  છે. પહેલા ભરાતા લોકમેળાઓને ભગવાન શ્રી સ્વામિનારાયણે ઉત્સવમાં પરિવર્તન કર્યા છે. આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાને લોયામાં પોતાના હાથે ૬૦ મણ રીંગણામાં ૧૨ મણ ઘીનો વઘાર લઇ  શાક બનાવી સંતો  હરિભકતોને જમાડયા હતા.

   સત્સંગ વિચરણ કરી રહેલ માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા શાકોત્સવનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે શાકોત્સવ સંપ્રદાયના ઘણાં સ્થાનોમાં ઉજવાય છે. શાકોત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે. કારણ કે આ ઉત્સવમાં લોયાના સુરાબાપુ અને શાંતાબાનુ સમર્પણ સમાયેલ છે. ગુરુકુલને આંગણે ઉજવનારા આગામી ભાવવંદના પર્વ અને ૧૦૮ સંહિતા પારાયણની વિશેષ માહિતી સ્વામીજીએ આપી હતી.

    બાજરાનો રોટલા ઘડવાની સેવા રાજકોટ મહિલા મંડળ, રીબડા, ગુંદાસરા, રીબ, પાળ વગેરે ગામોની બહેનોએ સંભાળેલ. આ પ્રસંગે વિશ્વવિહારીદાસજી સ્વામી અને ભકતવત્સલદાસજી સ્વામી અને ધર્મવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. સભાનું સંચાલન વેદાંતસ્વરુપદાસજી સ્વામીએ સંભાળેલ.

(11:55 am IST)