Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ઓનલાઇન શોપીંગના ડિલીવરી માટેના પાર્સલમાંથી ઉમંગ ચોરી કરતો'તોઃ રૂ. ૩.૨૦ લાખના ૧૦ ફોન સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

મવડીના પ્રજાપતિ યુવાને ચાલાકીથી હાથફેરો કર્યો પણ અંતે પોલ પકડાઇ ગઇઃ ફોન સાથે એક હાર્ડડિસ્ક, એપલ રીસ્ટ વોચ પણ કબ્જે પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમની કામગીરીઃ ભાવેશભાઇ અને અમિતભાઇની બાતમી

રાજકોટ તા. ૨૬: ઓનલાઇન શોપીંગ કંપની ફિલપકાર્ટમાં ડિલીવરીબોય તરીકે નોકરી કરતાં મવડી ચોકડી જીથરીયા હનુમાન મંદિર પાછળ લાભદિપ સોસાયટી-૮માં રહેતાં પ્રજાપતિ ઉમંગ મનસુખભાઇ જુવારદા (ઉ.૧૯)ને ગ્રાહકોને ડિલીવર કરવાના પાર્સલોમાંથીમોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ ચોરી લેતો હતો. એક જ રૂટ પર ત્રણ-ચાર ડિલીવરી બોયને પાર્સલ વિતરણ કરવાના રહેતાં હોઇ ઉમંગની ચાલાકી ઝટ દઇને નજરે ચડી નહોતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના ભાવીનભાઇ ગઢવી અને અમિતભાઇ અગ્રાવતને મળેલી બાતમી પરથી તેને રૂ. ૩,૨૦,૧૨૨ના ૧૦ મોબાઇલ ફોન તથા એપલની રિસ્ટ વોચ અને હાર્ડડિસ્ક સાથે  મવડી ચોકડી પાસેથી પકડી લેવાયો હતો.

ઉમંગ પાસેથી કબ્જે લેવાયેલા મોબાઇલમાં આઇ ફોન, રીયલ મી ફોન, વીવો, મોટોરોલા, ઇન્ફીનીકસ કંપનીના મોબાઇલ સામેલ છે. ઉમંગ ફિલપકાર્ટના વાવડી બ્રાંચના ગોડાઉનમાં ડિલીવરીબોય તરીકે દોઢેક મહિનાથી નોકરી કરે છે. પોલીસે તેની પાસેથી કબ્જે લીધેલી ચીજવસ્તુ અંગે પુછતાછ થતાં પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ બાદમાં આ ફોન ગોડાઉનમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. ઓનલાઇન ચીજવસ્તુની ખરીદી  ફિલપકાર્ટમાંથી કરનારને તેની ચીજવસ્તુ પહોંચાડવા કંપનીએ રાજકોટમાં ઇ-કાર્ટ કંપનીને ફ્રેન્ચાઇઝી આપી છે. જેમાં ૧૫૦ ડિલીવરી બોય કામ કરે છે.

ઉમંગ સહિતના ડિલીવરી બોયને સવારે દસ વાગ્યે ડિલીવરીના પાર્સલ ગોડાઉનમાંથી મેળવી ફાળવેલા રૂટ પર વિતરણ કરવાના હોય છે. એક રૂટ પર ત્રણથી ચાર ડિલીવરી બોય હોય છે અને અલગ અલગ રૂટ મુજબ ચીજવસ્તુ વિતરણ કરવાની હોય છે. બોય જેટલા પાર્સલ લઇ શકે તેટલા લઇ ડિલીવરી કરવા જતાં હોય છે. ઉમંગ ગ્રાહકોને આપવાના પાર્સલો ઢગલામાં પડ્યા હમોઇ તેમાંથી સમયાંતરે મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુ કાઢી લેતો હતો. એક જ રૂટ પર ત્રણથી ચાર ડિલીવરીબોય કામ કરતાં હોઇ કોણ કયુ પાર્સલ લઇ ગયું તેની ખબર મેનેજર કે માલિકને હોતી નથી. આનો લાભ ઉઠાવી ઉમંગ પાર્સલોમાંથી દિવાળીના દિવસોમાં ફોન સહિતની ચીજવસ્તુ કાઢી લેતો હતો.

જે તે વખતે દિવાળીનો સમય હોઇ પાર્સલો ખુબ આવ્યા હોઇ સ્ટોકની ગણતરી થઇ ન હોઇ જેથી તે વખતે ચોરી થયાની કોઇને ખબર પડી નહોતી. વળી કાઢેલી ચીજવસ્તુ ઓનલાઇન આવી હોઇ તેના બીલ પણ સાથે હોઇ તે બીજા લોકો સરળતાથી ખરીદી લેતાં હતાં.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ, સિધ્ધરાજસિંહ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ, પ્રદિપસિંહ, ભાવેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(2:52 pm IST)