Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

હાઉ...હાઉ... કુતરા કરડવાના ૩૭૧૬ કિસ્સા : ર૬,૧૦૦ રસીના ડોઝ વપરાયા

દંડક સુરેન્દ્રસિંહ વાળાએ માંગેલી માહિતીમાં ઘટસ્ફોટઃ સૌથી વધુ કુતરાનો ત્રાસ નાના મૌવા વિસ્તારમાંં : ૧૧ મહિનામાં ૪ર૭ ને કુતરાઓએ બટકા ભરી લીધા : હાલમાં મ.ન.પા. પાસે હડકવા વિરોધી રસીના ૧૭,ર૧૮ ડોઝ ઉપલબ્ધ

રાજકોટ, તા. ર૬ :  શહેરમાં કુતરાઓનો ત્રાસ વધ્યો હોવાનું ખુલતાં મ.ન.પા.નાં શાશક પક્ષ ભા.જ.પ.નાં દંડક સુરેન્દ્રસિંહ વાળાએ શહેરમાં ડોગબાઇટનાં કુલ કેસ, રસીના કેટલા ડોઝ વપરાયા અને હાલમાં કેટલા ડોઝ ઉપલબ્ધ છે તે અંગે મ્યુ. કમિશ્નરશ્રીને પત્ર પાઠવી અને માહિતી માંગી હતી. જેથી  માહીતીમાં એવો ઘટસ્ફોટ થયો છે કે છેલ્લા ૧૧ મહિનામાં શહેરમાં કુલ ૩૭૧૬ લોકોને કુતરા કરડતાં કુલ ર૬,૧૦૦ હડકવા વિરોધી રસીનાં ડોઝ વપરાયા છે અને હાલમાં ૧૭,ર૧૮ ડોઝ મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ બન્યા છે.

આ અંગે મ્યુ. કમિશ્નર દ્વારા દંડક સુરેન્દ્રસિંહ વાળાને અપાયેલ માહિતીમાં જણાવાયું છે કે જાન્યુઆરી ર૦ર૧ થી નવેમ્બર ર૦ર૧ સુધીનાં છેલ્લા ૧૧ મહિનામાં સૌથી વધુ ડોગબાઇટના કેસ-નાના મૌવા આરોગ્ય કેન્દ્રમાં ૪ર૭ નોંધાયા છે અને સૌથી ઓછા ન્યુ રઘુવીર વિસ્તારમાં ૭૪ કેસ નોંધાયા છે.

જયારે જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં ૩૭પ રામપાર્કમાં ૩૦૪, પ્રણામ ચોકમાં ૩૧૦, શ્યામનગરમાં રપજ્ઞ, નંદનવનમાં ૩૧પ, આંબેડકરનગરમાં ૧૯૬ વગેરે ઉપરાંત અન્ય નાના મોટા વિસ્તારોમાં ૭૬ થી ૯૯ જેટલા ડોગ બાઇટના કેસ સહીત છેલ્લા ૧૧ મહીનામાં કુતરા કરડવાના કુલ ૩૭૧૬ બનાવો બન્યા છે.

આ ઉપરાંત  ગત વર્ષ એટલે કે એપ્રીલ-ર૦૧૦ થી માર્ચ ર૦ર૧  સુધીમાં કુલ ૩૮૯૯ ડોગ બાઇટના કેસ નોંધાયેલ હતા. તેમજ રપ૭ર૧ ડોઝનો વપરાશ થયેલ છે. હાલ રાજકોટ મહાનગર પાલીકા ખાતે તા.રપ-૧૧-ર૦ર૧ની સ્થિતિએ ૧૭ર૧૮ જેટલા ઇન્જેકશનનો સ્ટોક ઉપલબ્ધ છે તેમજ આ ઇન્જેકશન રાજકોટ મહાનગર પાલીકાને રાજય સરકારશ્રી તરફથી ફાળવવામાં આવે છે.

(3:24 pm IST)