Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રહેણાંકના હેતુસર આપેલ જમીનના મકાનના બાંધકામ માટે કેટલા સમયના મુદ્દત વધારો મળી શકે?

મુદતસર બાંધકામ પૂર્ણ કરવામાં ન આવે તો લેવામાં આવતા પગલા

સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ નં.જમન-૩૯૨૦૦૩-૪૫૪, તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવથી રહેણાંકના હેતુસર બજાર કિંમતે નવી શરતની જમીન વ્યકિતગત તથા ગૃહ સહકારી મંડળીના સભ્યોને ચોકકસ સમયમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાની શરતે ફાળવવામાં આવે છે. ફાળવામાં આવેલ જમીનનો કબ્જો સુપ્રત થાય તે તારીખથી નિયત સમય બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું હોય બે વર્ષમાં બાંધકામ પૂર્ણ થઈ શકે તેમ ન હોય તો કાબુ બહારના વ્યાજબી કારણો રજુ કરવાથી અને જમીન ધારકને વધુ બે વર્ષની મુદ્દત વધારી આપવામાં આવશે. તો બાંધકામ પૂર્ણ કરી લેશે તેવી ખાત્રી થાય તો કલેકટરશ્રી પ્રથમ શરતભંગ ગણી નિયમોનુસાર પ્રીમીયમની રકમ ભરપાઈ કરી આપતા વધુ બે વર્ષનો મુદત વધારો આપવામાં આવે છે. આ વધુ બે વર્ષમાં પણ બાંધકામ પૂર્ણ કરેલ ન હોય તો પ્રથમ શરતભંગના ધોરણે માંગણી કરતા બીજો શરતભંગ ગણી નિયમોનુસાર વધુ બે વર્ષનો મુદ્દત વધારો કરી આપવામાં આવે છે.

બે શરતભંગ પછી કોઈપણ સંજોગોમાં મુદત વધારો આપવાનો નથી તેમ પણ ઠરાવેલ છે. એકંદરે જમીનનો કબ્જો મળ્યા તારીખથી નિયત સમય બે વર્ષ તથા પ્રથમ શરતભંગ અને બીજી શરતભંગના ચાર વર્ષ મળી કુલ છ વર્ષમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવા મુદત વધારો મળી શકે છે.

છ વર્ષનો સમયગાળો પસાર થઈ ગયા પછી છ વર્ષનો અધિકૃત કબ્જો છ વર્ષ પછી Wrongful ગેરકાયદેસર બને છે. તેથી છ વર્ષ પછી જમીન ઉપર કોઈપણ જાતનું બાંધકામ કરેલ ન હોય તો જમીન જપ્ત કરવા અને છ વર્ષ પછી થોડુ ઘણુ અથવા પૂર્ણ બાંધકામ કરેલ હોય તો જમીન સરકાર દાખલ કરવી અને જમીન ધારકને ચાલુ બજાર કિંમતથી રીગ્રાન્ટ કરવા ઠરાવેલ છે.

ફાળવેલ જમીનનો કબ્જો સુપ્રત થાય તારીખથી નિયત સમય બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરેલ ન હોય અને પ્રથમ શરતભંગ નિયમીત કરાવી વધુ બે વર્ષનો મુદ્દત વધારો મેળવેલ ન હોય તો નિયત સમય બે વર્ષનો અધિકૃત કબજો બે વર્ષ પુરા થતા Wrongful ગેરકાયદેસર કબ્જો બને છે. નિયત સમય બે વર્ષ પછીના Wrongful કબ્જાના સમયગાળામાં બાંધકામ કરેલ ન હોય અને અથવા થોડુ ઘણું બાંધકામ કરેલ હોય કે બાંધકામ પૂર્ણ કરેલ હોય તેવા શરતભંગના કિસ્સામાં પગલા લેવા બાબત તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવમાં સ્પષ્ટતા નથી તેમજ અન્ય શરતભંગે અંગે થયેલ સુચનાઓમાં આ પ્રકારના શરતભંગનો સમાવેશ થયેલ ન હોઈ કેસની ગુણવત્તા મુજબ નિકાલ કરવા સરકારશ્રીના હુકમો મેળવવાના રહે છે.

કે.જે.વાઘેલા,

નિવૃત મામલતદાર, મો.૯૯૦૪૨ ૩૦૧૬૨

(3:28 pm IST)