Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે સોની વેપારી હાર્દિક અને રાજવીરને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

હનુમાનમઢી પાસેથી હાર્દિક ધધડા અને જામનગર રોડ નાગેશ્વર શેત્રુંજય એપા. નીચેથી રાજ ઉર્ફે રાજવીરને પકડયા : ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. વી.જે.જાડેજા તથા ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૬ : રૈયા રોડ હનુમાન મઢીથી આગળ આશિર્વાદ કોમ્પ્લેક્ષ પાસે અને જામનગર રોડ પર નાગેશ્વર શેત્રુંજય એપાર્ટમેન્ટ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે સોની વેપારીને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૈયા રોડ હનુમાન મઢી નજીક આશિર્વાદ કોમ્પ્લેક્ષ પાસે એક શખ્સ મોબાઇલ એપ્લીકેશનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ તથા કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા હનુમાનમઢી પાસે આશિર્વાદ કોમ્પલેક્ષ મોમાઇ જ્વેલર્સ પાસે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સોની વેપારી હાર્દિક હરેશભાઇ ધધડા (ઉ.વ.૨૪) (રહે. ગાંધીગ્રામ જીવંતીકા પાર્ક-૧)ને પકડી લઇ રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ અને ચેતનસિંહ ચુડાસમાને બાતમી મળતા જામનગર રોડ નાગેશ્વર શેત્રુંજય એપાર્ટમેન્ટની નીચે દરોડો પાડી મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો સોની વેપારી રાજ ઉર્ફે રાજવીર પ્રવિણભાઇ ધધડા (ઉ.૨૭) (રહે. જામનગર રોડ, નાગેશ્વર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૪)ને પકડી લઇ રૂ. ૧૬ હજારની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો.

આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ, શકિતસિંહ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી છે. પકડાયેલા બંને વેપારી કૌટુંબીક ભાઇ થતાં હોવાનું જાણવા મળ્યું છે.

(3:31 pm IST)