Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મનસુખભાઇ પંચાલ : ૯૭ વર્ષની વયે ટનાટન

૧૧ લાખ કિલોમીટરની સફર કરનાર સાયકલવીર હજુ ગાંધીનગરથી અમદાવાદ સાયકલિંગ કરે છે : ભારત ભ્રમણ સાયકલ પર કર્યુ : ગાંધીજીથી નરેન્દ્રભાઇ મોદી સુધીની રાજકીય હસ્તીઓને મળ્યા : પોંડીચેરીમાં શ્રી અરવિંદ આશ્રમમાં માતાજીએ માથા પર હાથ મુકીને આશીર્વાદ આપ્યા હતા : કવિ સુંદરમ 'કુંદન' ઉપનામ આપ્યું

૯૭ વર્ષની વયે સ્વસ્થ-પ્રસન્ન અને જાગૃત અવસ્થામાં મનસુખભાઇ પંચાલ નજરે પડે છે. સાથે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા અને નાસિકના સ્વજન શ્રી સુનિલભાઇ રાયચુરા નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા) (૯.૧૬)  : ૯૭ વર્ષના યુવાન :  સાયકલવીર મનસુખભાઇ પંચાલ  ૯૭ વર્ષની વયે સાયકલ સાથે દર્શાય છે. (તસ્વીર સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ર૬ :.. હાલ નવી પેઢી સ્માર્ટ ગણાય છે, પરંતુ નાની વયે શરીર સ્વસ્થ રહેતા નથી. માણસ મન મૂકીને જીવી શકતો નથી. તન-મન ભારેખમ થઇ જાય છે. આ માહોલમાં ૯૭ વર્ષની વયના એક યુવાન ટનાટન તન-મન સાથે સક્રિય છે.

એમનું નામ મનસુખભાઇ પંચાલ છે. તેઓનો જન્મ સરધારમાં થયો હતો. લુહાર  પરિવારના મનસુખભાઇ દેશભરમાં સાયકલવીર તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે. 'અકિલા' પરિવાર સાથે પેઢીઓથી આત્મિયતાનો ગાઢ નાતો ધરાવતા મનસુખભાઇ આજે પ્રેસની મુલાકાતે આવ્યા હતાં.

તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતાશ્રી સરધારમાં સુવર્ણના વ્યવસાયમાં હતા અને સુખી પરિવાર હતાં. પરંતુ મને સંસાર - સમાજમાં કે વ્યવસાયમાં બહુ રસ ન રહયો. કુદરત રાખે તેમ રહેવું અને દુનિયા જોવી... આ ઉદેશથી હું યુવાની કાળથી સાયકલ લઇને નીકળી પડતો.

મનસુખભાઇ પંચાલે સાયકલ પર સત્તાવાર રીતે ભારત ભ્રમણ કર્યુ છે. અત્યાર  સુધીમાં સાડા અગિયાર લાખ કિલોમીટર સાયકલ ચલાવી છે.

દેશભરની નામી હસ્તીઓને મળીને મનસુખભાઇએ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે. મહાત્મા  ગાંધીજીથી માંડીને નરેન્દ્રભાઇ મોદી સુધીની હસ્તીઓને મળ્યા છે.

મનસુખભાઇ કહે છે કે, ઢેબરભાઇ, ગાંધીજી, મોરારજીભાઇ દેસાઇ, જવાહરલાલ નેહરૂ ઇન્દિરા ગાંધી, ઝૈલસિંહ, રવિશંકર મહારાજ સહિતની અસંખ્ય વિભૂતિઓને રૂબરૂ મળ્યાનું ગૌરવ અનુભવું છું.

મનસુખદાદા કહે છે કે, પોંડીચેરીમાં કવિ સુંદરમ્ સાથે મેળાપ થયો હતો. ત્યાંથી ધ્યાન માર્ગે પણ વળ્યો હતો. શ્રી અરવિંદ આશ્રમમાં શ્રી માતાજીએ મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતાં. આ સમયે અલૌકિક અનુભૂતિ માણી હતી.

મનસુખભાઇ પંચાલ પત્રકાર જીવ છે. તેઓને 'કુંદન' ઉપનામ કવિ સુંદરમે આપ્યું હતું. મનસુખભાઇ પંચાલ એકલવીર છે. આરોગ્ય અને નૈતિકતા મુદ્ે જાગૃતિ અભિયાન ચલાવે છે. અત્યાર સુધીમાં દેશભરમાં પંચાવન હજાર હાઇસ્કુલોમાં તેઓ પ્રવચનો આપી ચૂકયા છે. વડનગરમાં નરેન્દ્રભાઇ મોદીએ અભ્યાસ કર્યો એ સ્કુલમાં પણ મનસુખભાઇ પ્રવચન આપવા ગયા હતાં.

૯૭ વર્ષની વયે કોઇ જ રોગ નથી, કોઇ દવા લેતા નથી. હજુ મહિનામાં એક વખત ગાંધીનગરથી અમદાવાદ સાયકલ પ્રવાસ કરે છે. તેઓ કહે છે કે, પહેલા આટલો પ્રવાસ ૩ કલાકમાં પૂરો થતો, હવે છ કલાકે પુરો થાય છે.

ભારત ભ્રમણ દરમિયાન તેઓ હિન્દી ભાષા વિરોધી રાજયોમાં ગયા હતા અને ત્યાં ગામે-ગામ સાયકલ પ્રવાસ કરીને હિન્દી ભાષાના મહત્વનો પ્રચાર કર્યો હતો. આ સમયે એ રાજયોના અખબારોમાં મનસુખભાઇ છવાઇ ગયા હતાં.

મનસુખદાદા પાસે પાર - વગરના પ્રમાણ પત્રો છે. મુખ્યમંત્રીઓ-રાજયપાલો-કેન્દ્રીય પ્રધાનો-વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓના પ્રમાણપત્રો તે ધરાવે છે અપાર સન્માનો થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ પણ મનસુખભાઇના જીવનથી પ્રભાવિત થયા હતાં. શામ પિત્રોડા તેમને ઘેર લઇ ગયા હતાં. શામ પિત્રોડાના પિતાશ્રી ગંગારામજીએ મનસુખભાઇની આગતા-સ્વાગતા કરી હતી.

હવે શું ઇચ્છા છે ? મનસુખભાઇ કહે છે કે, માનવમાત્રમાં પરમાત્માના  દર્શન કરવાની દૃષ્ટિ કેળવાઇ ગઇ છે. કિશોરાવસ્થાથી કુદરત રાખે તેમ રહું છું. ભારતીયો સ્વસ્થ-પ્રસન્ન-સુખી રહે અને વિશ્વ માટે પ્રેરક બને તેવી પ્રાર્થના કરું છું.

મનસુખદાદા જેવી હસ્તીઓ સમાજનું ઘરેલું ગણાય, તેની વિશેષ કદર કરવી એ સરકાર અને સમાજની જવાબદારી નથી? (પ-૧ર)

સસરા સામે પત્રકારત્વનું પરાક્રમ !

આ મૂલ્યનિષ્ઠ પત્રકારે ૯પ વર્ષની વયે 'સાહસ' નામની પત્રિકા ફરી શરૂ કરી ! મનસુખભાઇ 'પંચાલ વિજય' અખબાર ચલાવતા હતાઃ સગાઇ મુંબઇ ધનાઢય પરિવારની દીકરી સાથે થઇઃ સસરા ''આડા માર્ગે'' ચાલતા હોવાની જાણ થતા, જમાઇ મનસુખભાઇએ સસરા વિરૂધ્ધ સમાચાર છાપ્યાઃ સસરાએ મુંબઇ બોલાવીને માર્યા અને સગાઇ તોડી નાખી

રાજકોટ તા. ર૬ : સાહસવીર મનસુખભાઇ પંચાલ મૂળ પત્રકાર જીવ છે તેઓ 'પંચાલ વિજય' નામનું અખબાર ચલાવતા હતા. એક મજેદાર કિસ્સો તેમણે કહ્યો તેઓ કહે છે કે, મારા પિતાશ્રીને સોનાનો વ્યવસાય હતો અમે સુખી પરિવાર તરીકે ઓળખ ધરાવતા હતા. મનસુખભાઇ કહે છે કે, મારી સગાઇ મુંબઇના એક ધનાઢય પરિવારની દીકરી સાથે થઇ હતી. સગાઇ બાદ મને જાણ થઇ કે, ધનાઢય સસરાનું ચારિત્ર્ય '''આડી લાઇને' છે  આ અંગેની સ્ટોરી મેં બનાવીને ''પંચાલ વિજય'' અખબારમાં છાપી. આ પરાક્રમ બાદ સસરાએ મનસુખભાઇને મુંબઇ તેડાવ્યા. ત્યાં માર માર્યોઅને સગાઇ તોડી નાખી...

મનસુખભાઇ કહે છ કે, નૈતિકતા સાથે મેં કયારેય બાંધછોડ કરી નથી. સગાઇ તૂટયા બાદ ફરીથી સગાઇ-લગ્ન ન કરવાનો સંકલ્પ કરીને જુદા વિચારથી જિંદગી વહાવી.

૯૭ વર્ષની વયે મનસુખભાઇને ભુતકાળ યાદ છે તેઓ કહે  છે, ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના પિતાશ્રી ગુણવંતભાઇ સાથે આત્મિયનાતો હતો.મારૃં અખબાર અહીં છપાતું હતું. ઉપરાંત રાજકોટમાં લુહાર જ્ઞાતિની બોડિંર્ગ બનાવવાની પ્રેરણા પણ મને શ્રી ગુણવંતભાઇ ગણાત્રાએ આપી હતી.

થાક નામનો શબ્દ મનસુખભાઇના જીવનમાં આવ્યો નથી. નિવૃત્તિની તો વાત જ નહિ. ૯પવર્ષની વયે તેઓએ ફરીથી પત્રકારત્વ શરૂ કર્યું હતું. ''સાહસ પત્રિકા'' નામનું અખબાર ચલાવે છે. આ પત્રિકા ભગવતી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગરના સહયોગથી પ્રકાશિત થાય છે. જો કે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, હવે એક અંક પ્રકાશિત કરીને પત્રિકાને વિરામ આપવાની ઇચ્છા છે.

(3:32 pm IST)