Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દેશને સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન ગણરાજ્ય બનાવી રાખવાના શપથ લેવાયા

૭૨માં સંવિધાન દિવસની રાજકોટ રેલ્વે ડિવીઝન ખાતે ઉજવણી

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટના ડિવીઝનલ રેલ્વે મેનેજરની કચેરી ખાતે આજે ૭૨માં સંવિધાન દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ડિવીઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સમક્ષ સંવિધાનની ઉદ્દેશિકાનું વાંચન કરી રાષ્ટ્રની એકતા અને અખંડતાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો. શ્રી જૈને તમામ રેલ કર્મચારીઓને સંકલ્પ લેવડાવ્યો હતો કે ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવી રાખવા માટે સદાય તત્પર રહેશું અને સંવિધાનને સંપૂર્ણપણે આત્મસમર્પિત રહેશું. આ મુજબના કાર્યક્રમ રાજકોટ રેલ્વે ડિવીઝનના રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર સહિતના તમામ મુખ્ય સ્ટેશનો ઉપર યોજાયા હતા. સંવિધાન સંદર્ભે જાગૃતિ લાવવા માટે મુખ્ય સ્ટેશનો અને ઓફિસોમાં પોસ્ટર અને બેનર પણ લગાડવામાં આવ્યા હતા. આ અવસરે એડીશ્નલ ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી ગોવિંદપ્રસાદ સૈની, સિનીયર ડિવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફ, ડિવીઝનલ પર્સનલ ઓફિસર અવિનાશકુમાર અને જુદા જુદા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(3:36 pm IST)