Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મનપામાં ભાજપના જુના જોગીઓની રિ-એન્ટ્રી

ગોવિંદભાઇ પટેલ - જીતુ મહેતા અને પ્રદીપ ડવ વચ્ચે બંધ બારણે બેઠક

રામનાથ મંદિર-આજી રિવરફ્રન્ટ સહિતની યોજનાઓ વેગવંતી બનાવવા લંબાણપૂર્વક ચર્ચા-આયોજન થયાનો ગણગણાટ

રાજકોટ તા. ૨૭ : મ.ન.પા.ના શાસક પક્ષ ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી સંકલન બાબતે તડા પડવા સહિતની અનેકવિધ અટકળો ચાલી રહી છે ત્યારે આજે શહેર ભાજપના જુના જોગીઓ એકાએક સક્રિય થયાનું જાણવા મળ્યું છે અને આજે શહેર ભાજપના પીઢ આગેવાન અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને જીતુભાઇ મહેતાએ મેયર પ્રદિપ ડવ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

આ અંગે મ.ન.પા.ની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ આજે સવારે ૧૧.૩૦ વાગ્યા આસપાસ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તેમજ જીતુભાઇ મેતા અને મેયર પ્રદિપ ડવ વચ્ચે એન્ટી ચેમ્બરમાં બંધ બારણે એકથી દોઢ કલાક સુધી લંબાણપૂર્વક ચર્ચા - વિચારણા થઇ હતી.

મ.ન.પા.ની લોબીમાં થઇ રહેલા ગણગણાટ મુજબ રામનાથ મંદિર ઘાટ અને આજી રિવર ફ્રન્ટની યોજના ઘણા લાંબા સમયથી આગળ ધપતી ન હોઇ આ બાબતે શાસકો અને તંત્ર સામે અનેક આક્ષેપો થઇ રહ્યા છે અને હવે જ્યારે રામનાથ મંદિર ઘાટની વિકાસ યોજના મ.ન.પા.ને સોંપી દેવામાં આવ્યું છે ત્યારે આ યોજનાને વેગવંતી બનાવવા માટે સુચારૂ વ્યવસ્થા અને આયોજન ગોઠવવા માટે લંબાણપૂર્વક ચર્ચાઓ થઇ હતી.

આમ, શહેર ભાજપની વર્તમાન ચર્ચાસ્પદ પરિસ્થિતિ વચચે શહેર ભાજપના જુના જોગીઓ ફરી મ.ન.પા.માં સક્રિય બની મેયર સાથે સંકલન અને આયોજનની બેઠક બંધ બારણે યોજતા આ મુદ્દે અનેકવિધ અટકળો જાગી છે.

(3:53 pm IST)