Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

વ્‍યાજંકવાદનો અજગર ૭ દિવસમાં ૩ જીવ ગળી ગયોઃ વ્‍યાજખોરોને ખો ભુલાવવા માંગણી

વ્‍યાજખોરીમાં ફસાતાં ઝેર પીવા મજબૂર બનેલા મિલાપનગરના ધોળકીયા પરિવારના એક પછી એક ત્રણ સભ્‍યોએ દમ તોડયોઃ બે આરોપી ધવલ મુંધવા અને સંજયરાજસિંહ ઉર્ફ ચિન્‍ટૂ ઝાલા ઝડપાયાઃ હજૂ બે ફરાર : શુક્ર-શનીની રાતે કિર્તીભાઇ ધોળકીયા, પત્‍નિ માધુરીબેન અને પુત્ર ધવલે ઝેર પીધા બાદ રવિવારે ધવલનું, સોમવારે માધુરીબેનનું અને શુક્રવારે કિર્તીભાઇનું મોત થયું: સાસુ-સસરા-પતિ ગુમાવનાર દિપલબેન ધોળકીયા ઉંડા આઘાતમાં ગરક

આરોપી ધવલ મુંધવા અને સંજયરાજસિંહ ઉર્ફ ચિન્‍ટુ ઝાલા : વ્‍યાજખોરીનો ભોગ બની ગયેલા કિર્તીભાઇ ધોળકીયા (સોની), તેમનો પુત્ર ધવલ અને પત્‍નિ માધુરીબેન

રાજકોટ તા. ૨૪: વ્‍યાજંકવાદ-વ્‍યાજખોરીની અનેક ઘટનાઓનું રાજકોટ શહેર સાક્ષી છે જેમાં કેટલાય પરિવારોના માળા અગાઉ વેરણછેરણ થઇ ગયા છે. વધુ એક આવી ઘટનામાં શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા મિલાપનગરમાં રહેતાંસોની પરિવારના ત્રણ ત્રણ સ્‍વજનો સાત દિવસના અંતરે મોતને ભેટયા છે. વ્‍યાજખોરીનો અજગર ભરડો આ જીવને ઓહિયા કરી જતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા છે. આ ત્રણેયને મરવા માટે મજબૂર કરનારા બે આરોપીને પોલીસે પકડી લીધા છે પરંતુ બે હજુ પોલીસની પક્કડથી દૂર છે. પતિ, સાસુ અને સસરાને ગુમાવનારા દિપલબેન ધવલભાઇ ધોળકીયા, ભાઇ, ભત્રીજા સહિતના સ્‍વજનો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે અને આ ઘટનામાં જવાબદાર વ્‍યાજખોરો ખો ભુલી જાય તેવી કાર્યવાહી કરવાની લાગણી અને માંગણી દર્શાવી છે.

મિલાપનગરમાં રહેતાં અને ઢેબર રોડ વનવેમાં ઝેરોક્ષની દૂકાન ચલાવતાં સોની વેપારી કિર્તીભાઇ હરકિશનભાઇ ધોળકીયા (ઉ.વ.૪૭), તેમના પત્‍નિ માધુરીબેન (ઉ.વ.૪૬) અને પુત્ર ધવલ (ઉ.વ.૨૪)એ ગયા શુક્ર-શનીની મધરાતે ઝેર પી લેતાં ના બનાવમાં  યુનિવર્સિટી પોલીસે ધવલની ફરિયાદને આધારે ચાર વ્‍યાજખોરો સામે ગુનો દાખલ કર્યો હતો. સારવાર દરમિયાન ધવલનું મોત નિપજતાં આપઘાત માટે મજબૂર કર્યાની કલમ ૩૦૬નો ઉમેરો કરાયો હતો. બીજા દિવસે ધવલના માતા માધુરીબેને પણ દમ તોડી દીધો હતો. પોલીસે અગાઉ એક આરોપી ધવલ સમીરભાઇ મુંધવા (રહે. કેવડાવાડી-૩)ની ધરપકડ કરી હતી. જે બાદમાં જેલહવાલે થયો હતો. એ પછી ક્રાઇમ બ્રાંચે સંજયરાજસિંહ ઉર્ફ ચિન્‍ટુ મહેન્‍દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૮-ટ્રાવેલ્‍સ સંચાલક, રહે. લક્ષ્મીવાડી-૭/૧૬, શ્રીકૃષ્‍ણ નિવાસ)ને રાઉન્‍ડઅપ કરી યુનિવર્સિટી પોલીસને સોંપ્‍યો હતો. જેણે વ્‍યાજે નાણા આપ્‍યાની કબુલાત આપી હતી. આ શખ્‍સને આજે કોર્ટ હવાલે કરવામાં આવશે.

વેપારી કર્તીભાઇએ ધંધાના કામે  સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૧૦ લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.૫૦ હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.૮ લાખ વ્‍યાજે લીધા હતાં. જેનું સમયસર વ્‍યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કિર્તીભાઇ કંટાળી ગયા હતાં અને પત્‍નિ-પુત્ર સાથે ઝેર પી લીધું હતું.

આ બનાવમાં ધવલે ગયા રવિવારે અને બાદમાં બીજા દિવસે સોમવારે તેના માતા માધુરીબેને દમ તોડી દીધો હતો. કિર્તીભાઇ સારવાર હેઠળ હતાં તેમનું પણ ગઇકાલે શુક્રવારે મોત નિપજતાં સાત દિવસમાં ત્રણ ત્રણ સ્‍વજનોના મોતથી સોની પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. ધોળકીયા પરિવારના આંગણેથી સાત દિવસમાં ત્રણ ત્રણ સ્‍વજનોની અરથી ઉઠતાં ગમગીની છવાઇ ગઇ હતી. પતિ, સાસુ અને સસરાને ગુમાવનારા દિપલબેન ધવલભાઇ ધોળકીયા ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. કિર્તીભાઇના ભાઇ, ભત્રીજા સહિતના સ્‍વજનોએ માંગણી કરી હતી કે અમારા પરિવારના ત્રણ ત્રણ લોકોને મરવા મજબૂર કરનારા વ્‍યાજખોરો ખો ભુલી જાય તેવી કડક કાર્યવાહી પોલીસ કરે તેવી અમારી માંગણી અને લાગણી છે.  પોલીસે આ ગુનામાં બે આરોપી યુવરાજસિંહ અને મહેબૂબશાને શોધી કાઢવા તપાસ યથાવત રાખી છે.

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ બી. વી. ઝાલા, હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ જે. ખેર, કોન્‍સ. બલભદ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ વધુ તપાસ કરે છે.

(3:40 pm IST)