Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

ગેરરીતિને 'સિસ્ટમ્સ' તરીકે અપનાવી લેવાની સરકારની નીતિ લાયક, પ્રતિભાવંત વિદ્યાર્થીઓ-નોકરીવાંચ્છુઓની કારકિર્દી રોળી રહી છેઃ યુવરાજસિંહ જાડેજા

વિદ્યાર્થીઓના પ્રશ્ને સજ્જડ લડત આપી એલઆરડી અને બીનસચિવાલય હેડ કલાર્કની ગેરરીતિથી ભરપૂર પરીક્ષાઓ રદ્દ કરાવી ચૂકેલા યુવા વિદ્યાર્થી નેતાનો 'અકિલા' સમક્ષ વસવસો : પરીક્ષા રદ્દ થવાથી વિદ્યાર્થીઓને પુરેપુરો ન્યાય નથી મળતો : લાંચીયા સિન્ડીકેટની ડોકમાં કાયદાનો સકંજો કસાય તો જ સડો અટકે : નાણા ખવડાવી ઓનલાઈન પરીક્ષા આપવાનો ઢોંગ કરતા ઉમેદવારોના જવાબો અન્ય કોમ્પ્યુટરમાંથી લખાતા હોય છે, ટેકનોલોજીનો ભયંકર દુરૂપયોગઃ વડોદરાના મિત પટેલને પકડો એટલે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે : ઉર્જા વિકાસ નિગમમાં સગાવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદથી થયેલી ગેરરીતિના સજ્જડ પુરાવા છતા સરકાર આગળ વધતી નથી ! : કેટલાક વચેટિયાઓ ભાજપના પદાધિકારીઓ છેઃ અવધેશ પટેલ, અરવિંદ, અજય, ઉર્જા વિકાસ નિગમની ભરતીના કૌભાંડી મિત ઉર્ફે ગબ્બર પટેલ (વડોદરા) સહિત ૧૬૦ ભ્રષ્ટાચારી અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકોની યાદી સરકારને સોંપી છે ! : ટોકન દરે કે નિઃશુલ્ક શિક્ષણ આપી જુદા જુદા સમાજના નબળા અને મધ્યમવર્ગના પરિવારોના તેજસ્વી યુવાનોના ભાવિ નિખારવાનો સામાજિક ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારના ભોરીંગ હેઠળ દબાય રહ્યો છેઃ મારી લડતમાં સૌને જોડાવા અપીલ : ચોક્કસ એજન્સીઓ સાથેની સુપર કલાસ અધિકારીઓની સિન્ડીકેટના પુરાવા પણ સરકારને આપ્યા છેઃ ભરતીની ઓફલાઈન અને ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિની મોડસ ઓપરેન્ડી અલગ અલગ છે

રાજ્યમાં યોજાતી ટેટ-ટાટ સહિતની જુદી જુદી સ્પર્ધાત્મક કસોટીઓ અને ભરતી માટેની પરીક્ષાઓમાં ભ્રષ્ટ સિન્ડીકેટ મારફત ધાર્યા પરીણામો મેળવી સરકારી વિભાગોમાં ગોઠવાઈ જતા લેભાગુ ઉમેદવારોના કારણે લાયક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને-નોકરીવાંચ્છુઓને અન્યાય થતો અટકાવવા 'યુવા અધિકાર ન્યાય ચળવળ'ના બેનર તળે લડત આદરનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા સમક્ષ તેમની લડતના ઉદ્દેશ્ય અને સરકારની ખોરી નીતિ અંગે વિગતો આપી ત્યારે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા અને લડત સમિતિના અન્ય સભ્યો નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા) (૨-૧૮) : યુવરાજસિંહ જાડેજા મો. નં. ૮૧૬-૦૬૦૭૫૦૯

રાજકોટ, તા. ૨૭ :. રાજ્ય સરકાર દ્વારા એલઆરડી અને બીનસચિવાલય હેડ કલાર્કની લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાયાના, પેપર ફૂટયાના સજ્જડ પુરાવાઓ આપી વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુઓને ન્યાય મળે તે માટે લડત આપી પરીક્ષાઓ રદ્દ કરાવનાર યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે અકિલા સમક્ષ વસવસો પ્રગટ કર્યો હતો. 'પરીક્ષાઓ રદ્દ થવાથી વિદ્યાર્થીઓને પુરેપુરો ન્યાય નહિ મળે 'લાંચીયા સિન્ડીકેટ'ની ડોક ફરતે કાયદાનો સકંજો કસાય તો જ સડો આગળ વધતો અટકશે, ગેરરીતિને સિસ્ટમ તરીકે અપનાવી લેવાની સરકારની નીતિ લાયક અને પ્રતિભાવંત વિદ્યાર્થીઓ તેમજ નોકરીવાંચ્છુઓની કારકિર્દી રોળી રહી છે.'

ઉર્જા વિકાસ નિગમની ઓનલાઈન ભરતીમાં ભ્રષ્ટાચાર, સગાવાદ, પ્રાંતવાદ અને જ્ઞાતિવાદના આક્ષેપો જ નહીં સજ્જડ પુરાવાઓ સરકાર સમક્ષ રજૂ કરવા છતાં કોઈ પગલા નહી લેવાતા યુવા અધિકાર ન્યાય ચળવળના બેનર તળે યુવરાજસિંહ જાડેજાએ લડતને આગળ વધારી છે. અકિલા સમક્ષ માહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે ભરતી માટેની ઓફલાઈન અને ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિની મોડસ ઓપરેન્ડી અલગ અલગ છે. ઓફલાઈન ભરતી પરિક્ષાઓ રદ્દ કરી સરકારે પગલા ભર્યાનો દેખાડો માત્ર કર્યો છે. મસમોટા આ કૌભાંડમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલા લેવાયા નથી. મેં જુદી જુદી ૧૧ પરીક્ષાઓમાં આચરાયેલી ગેરરીતિની વિગતો સરકારના પ્રધાનો અને મુખ્યમંત્રી જ નહીં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડી છે. છેલ્લે ઉર્જા વિકાસ નિગમની ભરતીમાં ટેકનોલોજીના દુરૂપયોગ થકી ભ્રષ્ટાચારી સિન્ડીકેટે લાખો રૂપિયા નોકરીવાંચ્છુઓ પાસેથી ઉઘરાવી લઈ મહેનતુ અને લાયક ઉમેદવારોને ભારોભાર અન્યાય કર્યો છે. સરકારે 'હોતા હૈ, ચલતા હૈ'ની નીતિ અપનાવી લીધી છે. એક રીતે જોઈએ તો ભ્રષ્ટાચાર નાબુદ કરવાના પ્રજાને વાયદા કરતી સરકારે મુંગા મોઢે ભ્રષ્ટાચારને 'સિસ્ટમ' તરીકે જ અપનાવી લીધાનો સણસણતો આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. તેમણે જણાવ્યુ કે અરવલ્લીના અવધેશ પટેલ, અરવિંદ, અજય, ઉર્જા વિકાસ નિગમની ભરતીના વચેટિયા બરોડાના મિત ઉર્ફે ગબ્બર પટેલ સહિત જુદા જુદા ૧૬૦ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકોની સિન્ડીકેટના નામો સરકારને સોંપ્યા છે. વચેટિયાઓ અને નાણા દઈ નોકરી મેળવવા માંગતા ભ્રષ્ટ ઉમેદવારો વચ્ચે થયેલા વાર્તાલાપના ઓડિયો રેકોર્ડીંગના પુરાવાઓ પણ આપ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં લાંચ આપનાર ઉમેદવાર કોમ્પ્યુટર સામે બેસી માઉસ-કી બોર્ડનો ઉપયોગ કરી પરીક્ષા આપવાનો ઢોંગ કરતો હોય છે. જ્યારે તેમના પેપરના જવાબો અન્ય જગ્યાએ કોમ્પ્યુટરથી અપાતા હોય છે. આ બાબત સાઈબર ક્રાઈમને લગતી છે. ટેકનોલોજીના જાણકાર અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ મારી ફરીયાદના મુદ્દાઓ આસાનીથી સમજી રહ્યા છે પણ કોઈપણ કારણોસર પગલા લેવાતા નથી. મને ધાકધમકી અને લાલચ આપી મારા ધ્યેયથી ભટકાવવાની કોશિષ થઈ રહી છે, પરંતુ હું ઝુકવાનો નથી. વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુઓ માટે છેક સુધી લડત આપીશ. વિદ્યાર્થીઓ માટેની મારી લડત અને 'આપ'ના કાર્યકર તરીકેની ભૂમિકા અલગ અલગ છે. મારી લડતને રાજકારણ સ્પર્શવા દેવાનો નથી. દરેક સમાજના વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારો માટે હું અવાજ ઉઠાવી રહ્યો છું. સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સમાજના નબળા અને મધ્યમવર્ગના પરિવારોના ઉત્સાહી યુવાનોને નજીવા, ટોકન દરે કે નિઃશુલ્ક શિક્ષણ આપી પગભર કરવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર સામાજિક દ્રષ્ટિકોણ ભ્રષ્ટાચારના ભોરીંગ હેઠળ દબાઈ રહ્યો છે ત્યારે સૌ આગળ આવી મારી લડતમાં જોડાય તે માટે હું અપીલ કરી રહ્યો છું તેમ અંતમાં યુવરાજસિંહે જણાવ્યુ હતું.(૨-૧૭)

વૈચારીક ક્રાંંતિ ઈચ્છતા જુદી-જુદી સામાજીક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓને પણ મળ્યો છું: યુવરાજસિંહ

રાજકોટઃ અકિલા કાર્યાલયે આવેલા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશ પટેલ, બ્રહ્મસમાજના અગ્રણીઓ, બેપ્સ સંસ્થાના અપુર્વમુનિ સ્વામી સહિત જુદી-જુદી સામાજીક-ધાર્મિક સંસ્થાઓના સમાજમાં વૈચારિક ક્રાંતિ ઇચ્છતા અગ્રણીઓને મળ્યો હતો અને તેમને મારી લડત અને ઉદ્રેશ્યનો રોડમેપ સમજાવી મારી મુહિમમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

(3:13 pm IST)