Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ડમ્‍પરે બાઇકને ઉલાળતાં વાવડીના વિજય સુવાગીયાનું મોટા ભાઇની નજર સામે મોત

કાલાવડ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે સાંજે સર્જાયો જીવલેણ અકસ્‍માત : વિજયને જુનાગઢ લગ્નમાં જવું હોઇ મોટો ભાઇ હિરેનભાઇ તેને ઓમનગરમાં મિત્રના ઘરે મુકવા જઇ રહ્યો હતો ત્‍યારે બનાવ : વતન આંકોલવાડી ગીર ખાતે અંતિમવિધી

રાજકોટ તા. ૨૭: કાલાવડ રોડ એંસી ફુટ રોડ પર મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે ગઇકાલે સાંજે એક ડમ્‍પરે ડબલસવારીવાળા બાઇકને ઉલાળી દેતાં વાવડી રહેતાં બે સગા ભાઇઓ રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં નાના ભાઇના શરીરે ડમ્‍પરનું પાછળનું વ્‍હીલ ફરી વળતાં મોટા ભાઇની નજર સામે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે મોટા ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બનાવને પગલે પટેલ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર વાવડીમાં આદર્શ એક્‍ઝોટિકા એપાર્ટમેન્‍ટ વૃજવિલા પાસે રહેતાં અને લોઠડાની કંપનીમાં નોકરી કરતાં મુળ ગીર સોમનાથના આંકોલવાડીના હિરેનભાઇ રમેશભાઇ સુવાગીયા (ઉ.વ.૩૦) ગઇકાલે સાંજે પોતાના નાના ભાઇ વિજય સુવાગીયા (ઉ.વ.૨૭)ને જુનાગઢ લગ્ન પ્રસંગમાં જવું હોઇ તેને બાઇક નં. જીજે૦૩એલજે-૪૭૭૩માં પાછળ બેસાડી ઓમનગરમાં તેના મિત્રના ઘરે મુકવા જઇ  રહ્યો હતો ત્‍યારે ૮૦ ફુટ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટની સામે ચોકડીએ પહોંચતાં પાછળથી એક ડમ્‍પરના ચાલકે બાઇકને ઉલાળતાં બંને ભાઇઓ રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં હિરેનભાઇ દૂર ફંગોળાઇ જતાં ઉભો થઇ ગયો હતો. જ્‍યારે તેના ભાઇ વિજયભાઇ ડમ્‍પરના પાછળના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ડમ્‍પરના નંબર હિરેનભાઇએ નોંધી લીધા હતાં.

હિરેનભાઇએ પોતાના ભાઇને બહાર કાઢી જોતાં ગંભીર ઇજા થતાં એક કારચાલકની મદદથી નજીકની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ ત્‍યાં તેને ડોક્‍ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પીએસઆઇ એચ.વી. સોમૈયાએ હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. હિરેનભાઇ સુવાગીયાની ફરિયાદને આધારે ડમ્‍પર નં. જીજે૦૧ડીવાય-૮૮૭૫ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. અકસ્‍માત સર્જી ડમ્‍પર ચાલક ભાગી હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

મૃત્‍યુ પામનાર વિજયભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. હાલમાં વિજયભાઇ આનંદ બંગલા ચોકમાં ટોપલેન્‍ડ ખાતે માર્કેટીંગનું કામ કરતો હતો. મૃતદેહને મુળ વતન આંકોલવાડી ખાતે અંતિમવિધી માટે લઇ જવાયો હતો.

(3:35 pm IST)