Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રેસકોર્ષ રીંગ રોડ ફનવર્લ્‍ડના ગેઇટ પાસે ‘હિટ એન્‍ડ રન': કડીયા દંપતિ ખંડિતઃ પત્‍નિનું મોત

ન્‍યુ રામેશ્વરના ૬૭ વર્ષિય રમેશભાઇ રાઠોડ પત્‍નિ ભારતીબેનને એક્‍ટીવામાં બેસાડી ફરવા નીકળ્‍યા ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ તા. ૨૭: શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર ત્રણ દિવસ પહેલા કારના ચાલકે બાઇકને ઉલાળી દેતાં બાઇકસ્‍વાર રામેશ્વર સોસાયટીનું દંપતિ રોડ પર ફેંકાઇ ગયું હતું. જેમાં પત્‍નિ વાહન સાથે ત્રીસેક ફુટ ઢસડાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ સહકાર સોસાયટી પીપળીયા હોલ પાસે ન્‍યુ રામેશ્વર પાર્ક-૭માં રહેતાં અને કડીયાકામની મજૂરી કરતાં રમેશભાઇ પોપટભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) તા. ૨૪ના રોજ પોતાના એક્‍ટીવા નં. જીજે૦૩એચએફ-૫૩૭૭માં પત્‍નિ ભારતીબેન (ઉ.વ.૫૫)ને બેસાડી રેસકોર્ષ રીંગ રોડ પર ફરવા ગયા હતાં. ફનવર્લ્‍ડમાં યોજાયેલા મેળામાં ચક્કર મારી બંને એક્‍ટીવામાં બેસી ફનવર્લ્‍ડના ગેઇટ સામે પહોંચ્‍યા ત્‍યારે પાછળથી એક કારના ચાલકે એક્‍ટીવાને ઠોકરે લીધુ હતું.

આ કારણે પતિ-પત્‍નિ બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં પત્‍નિ ભારતીબેન થોડા ફુટ સુધી ઢસડાતાં ગંભીર ઇજા થઇ હતી. પતિને સામાન્‍ય ઇજાઓ થઇ હતી. ભારતીબેનને સિવિલ હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી ખાનગી હોસ્‍પિટલમાં  ખસેડાયા હતાં. ફરીથી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ભારતીબેને પચ્‍ચીસમીએ રાતે દમ તોડી દેતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કાર ચાલક વિરૂધ્‍ધ પ્ર.નગરના એએસઆઇ સી. જે. ઝાલાએ રમેશભાઇ રાઠોડની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)