Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમીન માર્ગના બંગલોમાં થયેલી હત્યામાં દિશા મળીઃ પગેરૃ દબાવતી ક્રાઇમ બ્રાન્ચ

રપ મીની રાત્રે વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા પટેલ ઉદ્યોગપતિના બંગલોના વૃધ્ધ ચોકીદાર વિષ્ણુભાઇ સોનીની હત્યા કરનાર અજાણ્યા યુવાનને ઝડપી લેવા કવાયત

રાજકોટ, તા., ૨૭: ટ્રાફીકથી ધમધમતા અમીન માર્ગ ઉપર વિદ્યાકુંજ સોસાયટીના બંગલોમાં તા.રપ મીના સમી સાંજમાં વિષ્ણુભાઇ ચકુભાઇ ઘુચલા (ઉ.વ.૬૮)ની  ગળેટુંપો આપી સુયો કે ડીસમીસ જેવા હથીયારના ઘા ઝીંકી કરવામાં આવેલી હત્યાનો ઉકેલ લાવવા મથતી ક્રાઇમ બ્રાન્ચને દિશા મળ્યાનું જાણવા મળે છે. સીસીટીવી સર્વેલન્સ  ઉપર કેન્દ્રીત થયેલી સમગ્ર તપાસમાં જો બધુ જ બરોબર રહયું તો એકાદ દિવસમાં ભેદ ખુલી શકે તેવા સંજોગો વર્તાઇ રહયા છે.

વિદ્યાકુંજ સોસાયટીમાં  ઇશાવાશ્યમ નામનો બંધ બંગલો વડોદરા શીફટ થઇ ગયેલા પ્રવિણભાઇ વિઠ્ઠલભાઇ પટેલની માલીકીનો છે. તેમની ઓફીસમાં છેલ્લા ૩૮ વર્ષથી નોકરી કરતા વિષ્ણુભાઇ ઘુંચલા (સોની) પટેલ પરિવાર વડોદરા શીફટ થયા બાદ તેમના બંગલોની દેખરેખ રાખતા હતા અને રાત્રે ત્યાં જ સુઇ રહેતા હતા. વિષ્ણુભાઇની રપ મીની રાત્રે ૮ વાગ્યા પછી  દિવાલ ઠેકી ઘુસેલા અજાણ્યા યુવાને હત્યા કરી નાખી હતી અને થોડી મિનીટોમાં જ બંગલોમાં ચક્કર લગાવી ત્યાંથી ધીમા પગલે  ચાલી નિકળ્યો હતો. બંગલોમાંથી ચોરી થયાનું પ્રાથમીક તબક્કે પોલીસને જણાયું ન હતું. આસપાસ રહેતા લોકો પાસેથી પણ કોઇ ઠોસ માહીતી પોલીસને મળી શકી ન હતી કે પ્રવિણભાઇ પટેલના સ્ટાફ પાસેથી આ ઘટનામાં પ્રકાશ પાડી શકે તેવી કોઇ માહીતી પોલીસને સાંપડી ન હતી. પીઢ ઉપર રકસેક ધારણ કરેલો અને પગલમાં સુઝ પહેરેલો નવયુવાન મોઢે રૃમાલ બાંધેલો   અને પાછળથી રૃમાલ કાઢી ચાલીને જતો બંગલોના આસપાસના ફુટેજમાં દેખાયો હતો. આ ફુટેજ પરથી તેની સીધી જ ઓળખ મળી શકી નથી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી સર્વેલન્સની એક પછી એક કડી મેળવી રચેલી સાંકળ હત્યારાની ડોક સુધી પહોંચે તેવા પ્રયત્નો આદર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી ચોક્કસ દિશામાં ર૦૦ કી.મી. સુધી પહોંચી છે. વધુ આગળ જઇ અણઉકેલ બનાવ ઉકેલી નાખે તો નવાઇ પામવા જેવુ નહિ રહે.

સમગ્ર તપાસ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી ડી.વી.બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વાય.બી.જાડેજા અને જે.વી.ધોળા ચલાવી રહયા છે.

(2:50 pm IST)