Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અગ્નિપથ યોજના સૈનિકોના મજબૂત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલુંઃ ગાયત્રીબા

કલેકટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા દેખાવો-ધરણા-સૂત્રોચ્ચાર કરાયા... : ૩પ થી ૪૦ આગેવાનો-કાર્યકરોની અટકાયતઃ અમુકને ટીંગાટોળી કરી લઇ જવાયા...

રાજકોટ તા કેન્દ્ર સરકારે સેનામાં અગ્નિપથ યોજના દાખલ કરી તેના વિરોધમાં તથા મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આજે મહિલા કોંગ્રેસ અગ્રણી શ્રી ગાયત્રીબા વાઘેલાના અધ્યક્ષપદે કોંગ્રેસના દેખાવો સંદર્ભે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, કાર્યકરો પોલીસની ગાડી આડે બેસી ગયા હતા, પરીણામે ૩પ થી ૪૦ અગ્રણીઓ-કાર્યકરોની અટકાયત કરી હતી, અમૂક કાર્યકરોને પોલીસે બાવળા પકડી લઇ જવા પડયા હતા, થોડો સમય ભારે ધમાલ મચી ગઇ હતી. તે નજરે પડે છે. કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું ન હતું, પરંતુ કલેકટર કચેરીની અંદર પટાંગણમાં ધરણા યોજી-દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા, પોલીસનો બંદોબસ્ત પહેલેથી ગોઠવાયેલ હોય, પોલીસે ધરણા ઉપર બેઠેલા તમામ ૩પ થી ૪૦ ની અટકાયત કરી લીધી હતી, એક મહિલા આગેવાન અને મહિલા પોલીસ વચ્ચે માથાકુટ પણ સર્જાઇ હતી, અમુકને પોલીસે ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડયા હતા, કલેકટર કચેરી સૂત્રોચ્ચાર સાથે ગાજી ઉઠી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.૩૩)

રાજકોટ તા. ર૭ઃ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે તેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે અગ્નિપથ યોજના નામે ગુમરાહ કરવાનું બંધ કરોના પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથે ધરણા વિરોધ પ્રદર્શન કરાયું. જેમાં તમામ કાર્યકરોની અટક કરી હેડ કવાર્ટર ખાતે લઇ જવાયા હતા.

૧૭ વર્ષની નોકરીને બદલે માત્ર ૪ વર્ષની નોકરી તેવો સવાલ શહેર કાર્યકરી પ્રમુખ સંજય અજુડિયાએ ઉઠાવ્યો હતો, તો પ્રદેશ ઉપ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્ધતિને બાજુએ મુકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું આ પગલું છે.

શ્રી ગાયત્રીબા અને અન્યોએ જણાવેલ કે, કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. જે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્ધતિને બાજુએ મુકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલું છે. જેના કારણે દેશભરના નવયુવાનો, વજેઓ લશ્કરમાં જોડાવા માંગતા હોય તેઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી, નવયુવાનો વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઇ ઠાકોરના આદેશ અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેઢલ છે તેના વિરોધમાં જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજાયા હતા. આ ધરણામાં  રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સંજય અજુડિયા, રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી ભરતભાઇ મકવાણા, દિપ્તીબેન સોલંકી, ગોવિંદભાઇ સભાયા, ફ્રન્ટલસેલના ચેરમેનો મનીષાબા વાળા, હરપાલસિંહ જાડેજા, રણજીતભાઇ મુંધવા, વોર્ડ પ્રમુખો ગીરીશભાઇ ધરસંડિયા, કેતનભાઇ તાળા, તેમજ આગેવાનો કનકસિંહ જાડેજા, ઠાકરશીભાઇ ગજેરા, મનુભાઇ પટેલ, ડી. બી. ગોહિલ, રવિભાઇ ડાંગર, દીપ ભંડેરી, હિરલબેન રાઠોડ, ભાવેશભાઇ પટેલ, આકાશભાઇ ગૌસ્વામી, કર્મદીપ જાડેજા, અંકીતભાઇ, બ્રીજરાજ ઝાલા, વરૃણભાઇ જાની, માધવ અગ્રાવત, જય પટેલ વિગેરે જોડાયા હતા. આ તમામની પોલીસ દ્વારા અટક કરી હેડ કવાર્ટર ખાતે લઇ જવાયા હતા.

(3:37 pm IST)