Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કોઠારિયા સોલવન્‍ટ પાસે કારખાનામાંથી લોખંડના છોલની ચોરી કરનારા ત્રણ શખ્‍સો પકડાયા

આજી ડેમ પોલીસે મવડી ઓવરબ્રીજ પાસેથી સંજય ચુડાસમા, સંજય સોલંકી અને અજય સોલંકીને દબોચ્‍યા

રાજકોટ તા. ૨૭ : કોઠારીયા સોલવન્‍ટ ફાટક નજીક આવેલા કારખાનામાંથી રૂા. ૮ હજારના લોખંડના છોલની ચોરી કરનારા ત્રણ શખ્‍સોને આજી ડેમ પોલીસે બાતમીના આધારે મવડી ઓવરબ્રીજ નીચેથી ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્‍ટેશન પાછળ પંચનાથ સોસાયટી શેરી નં. ૩માં રહેતા અક્ષયભાઇ શંભુભાઇ આટકોટીયા (ઉ.વ.૨૭) પાંચ દિવસ પહેલા કોઠારીયા સોલવન્‍ટ ફાટક નજીક નટરાજ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા પાસે આવેલા પોતાના કારખાને હતા. કારખાનામાં ભેગો થયેલ એસ.એસ.નો છોલ (લોખંડનો છોલ) વેંચવા માટે પોતે સંજય દેવીપૂજક નામના છકડો ચાલકને ફોન કરી બોલાવતા સંજય દેવીપૂજક પોતાની જીજે૧૦ટી-૯૧૦૭ નંબરનો છકડો લઇને આવ્‍યો હતો. તેની સાથે બે અજાણ્‍યા શખ્‍સો પણ હતા. સંજય વજનકાંટો સાથે લાવ્‍યો હતો. તે વજન કાંટા દ્વારા તેણે પોતાનો એસ.એસ. છોલનો વજન કરતા ૫૪ કિલોગ્રામ આસપાસ થયો હોઇ બાદ નક્કી થયેલા ભાવ મુજબ તેણે આ છોલ ત્રણેય શખ્‍સોએ છકડો રીક્ષામાં ભરી લીધેલ. પોતાના છોલનો વજન ૧૦૦ કિલો કિંમત રૂા. ૬૦૦૦નો હોઇ, જેથી પોતાને તેના વજન કાંટા પર શંકા જતા પોતે પોતાના કારખાનામાં અંદર બોલાવી રીક્ષા ખાલી કરવા અને ફરી વજન કરવાનું કહી પોતે કારખાનામાં જતા રહ્યા હતા તે દરમિયાન આ ત્રણેય છકડો લઇને નાશી ગયા હતા. આ બનાવ અંગે પોતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.કે.ગઢવીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પી.એસ.આઇ. જે.કે.ગઢવી સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે લોખંડના છોલની ચોરી કરનારા શખ્‍સો મવડી ઓવરબ્રીજ પાસે હોવાની હેડ કોન્‍સ. રાજેશભાઇ જળુ અને વિરેન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતા ઓવરબ્રીજ નીચે આવેલા ઝુપડામાંથી સંજય શંભુભાઇ ચુડાસમા (ઉ.વ.૨૩) (રહે. મવડી ઓવરબ્રીજ નીચે ઝુપડામાં), સંજય ગીરીશભાઇ સોલંકી (ઉ.૨૦) (રહે. મવડી ઓવરબ્રીજ નીચે ઝુપડામા) અને ભાવનગર, શીહોર રેલવે સ્‍ટેશન પાસે ઝુપડામાં રહેતો અજય ભરતભાઇ સોલંકી (ઉ.૨૮)ને પકડી લઇ રૂા. ૬૦૦૦ની કિંમતનો ૧૦૦ કિલો એસ.એસ. છોલ, છકડો રીક્ષા અને એક મોબાઇલ મળી રૂા. ૫૬,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

 આ કામગીરી પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.કે.ગઢવી, હેડ કોન્‍સ. કૌશેન્‍દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, કોન્‍સ. વીરેન્‍દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, કૃણાલસિંહ ઝાલા, જયદીપસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર અને ભીખુભાઇ મૈયડ દ્વારા કરવામાં આવી હતી.

(3:29 pm IST)