Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્‍લાની તમામ ITI સાથે MOU કરાર થશે

વ્‍યાવસાયિક તાલીમ માટે શોર્ટ ટર્મ કોર્ષ તૈયાર કરવામાં આવશે

રાજકોટ તા.૨૭ રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્‍ય વર્ધનના હેતુ માટે આઇ.ટી.આઇ. સાથે એમ.ઓ.યુ કરાર કરવામાં આવશે. રાજકોટની સ્‍વનિર્ભર શાળાનાં વિર્દ્યાર્થીઓને જિલ્‍લાની જુદી-જુદી આઇ.ટી.આઇ.માં જુદા-જુદા વિષયો જેવા કે સિવિલ, ઇલેકટ્રીકલ, ઓટોમોબાઇલ્‍સ, રોબોટિકસ, પ્‍લમ્‍બિંગ, થ્રી ડી પ્રિન્‍ટિંગ, કોમ્‍પ્‍યુટર, આઇ.ટી. વગેરે જેવા વિષયોની વ્‍યાવસાયિક તાલીમ આપવામાં આવશે. આ અંગેના શોર્ટ ટર્મ કોર્સ તૈયાર કરવામાં આવશે. સાથે જ આઇ.ટી.આઇ.માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સ્‍વર્નિભર શાળાઓ દ્વારા ભાષાકીય જ્ઞાન, સોફટ સ્‍કીલ વગેરે જેવા વિષયો પર તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે.સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા ગત વર્ષે આ યોજના અંગેની રજૂઆત કરવામાં આવેલ, જેને તાજેતરમાં રાજકોટ જિલ્‍લા કલેકટર ડો.અરુણ મહેશ બાબુ દ્વારા જિલ્‍લા કલેકટર ઓફીસમાં મળેલ મિટિંગમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ અંગે વધુ વિગત આપતા રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ મેહતાએ જણાવ્‍યું હતુ કે, સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારશ્રી અને શિક્ષણવિભાગ સાથે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. તાજેતરમાં રાજકોટ જીલ્‍લા કલેકટરશ્રીને ૭૦૦થી વધુ જિલ્‍લાઓ પૈકી રાષ્‍ટ્રીય કક્ષાએ ‘એવોર્ડ ઓફ એકસલન્‍સ ઇન ધ ફિલ્‍ડ ઓફ સ્‍કિલ ડેવલપમેન્‍ટ' એનાયત થયો, જે માટે જિલ્‍લા કલેકટર ડો.અરુણ મહેશ બાબુને એવોર્ડ મેળવવા બદલ રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ અભિનંદન પાઠવે છે. આ એવોર્ડ બાદ કલેકટરશ્રી દ્વારા રાજકોટ ડિસ્‍ટ્રીકટ સ્‍કિલ કમિટીની બેઠક કરવામાં આવી જેમાં કરાર કરવામાં આવશે.

 આઇ.ટી.આઇ. રાજકોટનાં પ્રિન્‍સિપાલ ડો. નીપુલ રાવલ અને સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટનાં પ્રમુખ મહેતા, મહામંત્રી પરિમલ પરડવા અને પુષ્‍કર રાવલ દ્વારા આ અંગે મુસદ્દો તૈયાર કરવામાં આવશે. કોર કમિટિ તેમજ કારોબારીના તમામ સભ્‍યો તેમજ જિલ્લાની તમામ આઇ.ટી.આઇ.નાં પ્રિન્‍સિપાલ અને કર્મચારીઓ શકયતઃ દેશભરમાં રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમા સૌ પ્રથમ એવા આ અભિયાનને સફળ બનાવવા કટિબદ્ધ છે.

અભિયાનની સફળતા માટે રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો.ડી.કે.વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્‍કરભાઇ રાવલ, સૌરાષ્‍ટ્ર ઝોન કન્‍વીનર જયદિપભાઇ જલુ અને મેહુલભાઇ પરડવા, તેમજ ગુજરાતના મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ રાઠોડ અને ફિ-રેગ્‍યુલેશન કમિટીના સદસ્‍ય અજયભાઇ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 

(5:09 pm IST)