Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આજે વધુ ૬ વોર્ડમાં પાણી વિતરણ ખોરંભે : ૩ થી સાડા ત્રણ કલાક મોડુ : ગૃહિણીઓમાં ભારે દેકારો

રાજકોટ તા. ૨૭ : પાણી વિતરણમાં ધાંધીયા મનપા તંત્રનો પીછો છોડતો ન હોય તેવો ઘાટ બન્‍યો છે. બે અઠવાડિયામાં બે વાર નર્મદા લાઇન તૂટવાથી ૫ થી ૬ વોર્ડમાં વિતરણ ૩ થી ૫ કલાક મોડુ થયું હતું.  ત્‍યારે ગઇકાલે ભારે વરસાદ અને પવનના કારણે પમ્‍પીંગ સ્‍ટેશન ઉપર વૃક્ષ પડતા શહેરના ગુરૂકુળ ઝોન હેઠળના વોર્ડ નં. ૭, ૧૪ અને ૧૭માં ઢેબર રોડ તરફના વિસ્‍તારમાં સાડા ત્રણ કલાક વિતરણ મોડું કરવામાં આવ્‍યું છે.

ગોંડલ પાસેના પમ્‍પીંગ સ્‍ટેશન ઉપર ઘટાદાર વૃક્ષ તૂટી પડતા શહેરને ભાદરનું પાણી ૩ કલાક ન મળતા વિતરણમાં વિક્ષેપ સર્જાયેલ અને સાડા ત્રણ કલાક મોડેથી ગુરૂકુળ ઝોન હેઠળના વોર્ડમાં વિતરણ કરવામાં આવ્‍યું હતું.

જ્‍યારે શહેરના છેવાડાના રૈયાધારના GWIL પમ્‍પીંગ સ્‍ટેશનમાં વિજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે ૧૬ એમએલડી નર્મદા નીર ઓછા મળ્‍યા હતા. જેથી આ વિસ્‍તારના વોર્ડ નં. ૧, ૯ અને ૧૦માં ૩ કલાક પાણી વિતરણમાં મોડુ થયું હતું. સવારે ૯.૩૦ કલાકથી વિતરણ બંધ કરાયેલ, જે બપોરે ૧ વાગ્‍યા આસપાસ ફરીથી શરૂ કરી દેવાતા તંત્રએ હાશકારો લીધો હતો.

વારંવાર થતા પાણી વિતરણના ડખ્‍ખાથી ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. આજે શહેરના ૬ વોર્ડમાં સમયસર પાણી ન મળતા તંત્રની વિતરણ વ્‍યવસ્‍થામાં ખામી હોવાનું પણ લોકમુખે ચર્ચાય રહ્યું છે.

(3:49 pm IST)