Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઇડાની લારીએ ગજુભા, યુવરાજસિંહ અને બે અજાણ્યાની તોડફોડઃ લારીધારકના ૧૨ વર્ષના પુત્રને ઢીકાપાટા માર્યા

હેમુ ગઢવી હોલ પાછળ રવિવારે રાતે ધબધબાટીઃ ક્રાઇમ બ્રાંચના પોલીસમેન સામેલ હોવાના આક્ષેપને પગલે પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા ઃ રજાકભાઇની લારીએ પરિચીત એવા ગજુભા નાસ્તો કરવા આવ્યા, પોતાનો ઓર્ડર સોૈથી પહેલા લેવાનું કહી બોલાચાલી કરી જતાં રહ્યા પછી બીજા ત્રણ જણાને લઇ ફરી આવી બઘડાટી બોલાવ્યાની ફરિયાદ

તસ્વીરમાં જ્યાં બઘડાટી બોલી ગઇ હતી તે સ્થળે તોડફોડનના દ્રશ્યો અને જેને મારકુટ થઇ હતી તે બાર વર્ષનો ટાબરીયો મુંઢ મારના નિશાન બતાવતો દેખાય છે

રાજકોટ તા. ૨૭ઃ રવિવારની રાતે હેમુ ગઢવી હોલ પાછળ આવેલી ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયેલા એક વ્યકિતને પોતાનો ઓર્ડર પહેલા લેવા બાબતે લારીધારક સાથે ચડભડ થયા બાદ તેણે ત્યાંથી નીકળી જઇ બીજા ત્રણ જણા સાથે આવી લારીમાં તોડફોડ કરી ધમાલ મચાવતાં અને લારીધારકના ૧૨ વર્ષના પુત્રને પણ મારકુટ કરતાં ભારે દેકારો મચી ગયો હતો. આ મારામારીમાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન પણ સામેલ હોવાનો આક્ષેપ થયો હોઇ પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા છે. એ-ડિવીઝન પોલીસમાં કુલ ચાર લોકો સામે આ મામલે ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં પોલીસે જંગલેશ્વર પંતેજન શેરી લેઉવા પટેલ સોસાયટીમાં રહેતાં અને હેમુ ગઢવી હોલ પાછળના રોડ પર ઇંડાની લારી રાખી ધંધો કરતાં રજાકભાઇ આમદભાઇ પીપરવાડીયા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ગજુભા પરમાર, યુવરાજસિંહ જાડેજા અને બે અજાણ્યા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રજાકભાઇએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે ૨૬મીએ રાતે સાડા દસેક વાગ્યે હું મારી ઇંડાની લારીએ હતો ત્યારે ગજુભા પરમાર આવ્યા હતાં. તે અવાર-નવાર અહિ આવતાં હોઇ જેથી હું તેને ઓળખુ છું. ગજુભાએ મને ઇંડાની આઇટમનો ઓર્ડર આપ્યો હતો અને કહ્યું હતું કે સોૈથી પહેલા મારો ઓર્ડર પુરો કરો. જેથી મેં કહેલું કે તમારી પહેલા ઉભા છે તેનો ઓર્ડર બનાવું છે એટલે થોડી વાર લાગશે. જેથી તે ઉશ્કેરાઇ ગયા હતાં અને મને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતાં.

એ પછી ગજુભા નીકળી ગયા હતાં અને થોડીવાર બાદ પોતાના મિત્ર યુવરાજસિંહ તથા બે અજાણ્યા માણસોને લઇને પાછા મારી લારીએ આવ્યા હતાં અને 'મારો ઓર્ડર પહેલા કેમ લીધો' તેમ કહી લારીમાં તોડફોડ ચાલુ કરી હતી. લારી પાસે રાખેલુ ટેબલ તોડી નાંખ્યું હતું. હું બંનેને સમજાવવા જતાં મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. આ વખતે મારો ૧૨ વર્ષનો દિકરો બાજુમાં ઉભો હોઇ તેને પણ આ લોકોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. દિકરો ડરી જતાં તે ત્યાંથી નીકળી ગયો હતો. એ પછી ચારેય શખ્સો પણ મારી લારીએથી જતા રહ્યા બાદ મારો દિકરો પાછો આવી ગયો હતો. તેને મુંઢ ઇજાઓ થઇ હોઇ હું તેને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો.

રજાકભાઇના ઉપરોકત કથનને આધારે હેડકોન્સ. એલ. એ. જતાપરાએ ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાંચના પોલીસમેન પણ આ મારામારીમાં સામેલ હોવાનો આક્ષેપ થયો હોઇ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ ડીસીપીને તપાસના આદેશ આપ્યા છે. એક ચર્ચા મુજબ પોલીસમેનના સગા નાસ્તો કરવા ગયા હતાં તેને માથાકુટ થતાં પોલીસમેન સમજાવવા ગયા હતાં. જો કે ફરિયાદમાં પોલીસમેનનું આરોપી તરીકે નામ નથી. ખરેખર ઘટના શું બની? તેની તપાસ પોલીસ કમિશનશ્રીએ સોંપી હોવાનું જાણવા મળ્યું છે.

(4:39 pm IST)