Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

શ્રી આપાગીગાના ઓટલે શ્રી સદ્દગુરૂવંદના મહોત્સવની શાનદાર ઉજવણી

નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા દાદાગુરૂશ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુ તથા સદ્દગુરૂદેવ શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું પૂજન-અર્ચન : તજજ્ઞ અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણપણે શાસ્ત્રોકત વિધી- વિધાન પૂર્વક સમગ્ર પૂજનવિધી કરાઈઃ સાધુ- સંતો- મહંતો અને ભાવિકજનોની ઉપસ્થિતિઃ શ્રધ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધોઃ દરેક લોકોને વિનામૂલ્યે માસ્ક, સેનીટાઈઝર અને આયુર્વેદીક દવાઓ ઘનવટી અને ગડુચી (ગીલોય)નું વિતરણ : સંપૂર્ણ મહોત્સવની ઉજવણી સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડીસ્ટન્સ તથા ફરજીયાત માસ્ક પહેરાવીને કરવામાં આવી

રાજકોટઃ ગુરૂપૂર્ણીમાં એટલે ગુરૂજીની વંદનાનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાય છે. આમ તો દરેક દિવસ ગુરૂવંદન માટે ઉતમ જ હોય છે. પરંતુ અષાઢ મહિનાની સુદ પૂનમને આપણા શાસ્ત્રોમાં ગુરૂવંદના માટે સર્વશ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. આ દિવસે દરેક લોકો દ્વારા પોતાના પૂજનીય ગુરૂઓનું  પૂજન- વંદન કરી તેઓના આશિર્વાદ મેળવતા હોય છે. આવા પવિત્ર દિવસે ગુરૂદેવના દર્શન માત્રથી દરેક લોકોને ખુબ જ ધન્યતા પ્રાપ્ત થતી હોય છે.

આપણા જીવન માં- બાપ પછી જો કોઈ અગત્યનો ભાગ ભજવનાર વ્યકિત હોય તો તે આપણા સદ્દગુરૂ છે. જે હંમેશા પોતાના દરેક શિષ્યને સમભાવથી હંમેશા સત્યના માર્ગે ચાલવાની યોગ્ય પ્રેરણા પૂરી પાડતા હોય છે. માણસના જન્મથી લઈને આજીવન જો તેને યોગ્ય વ્યકિત સદ્દગુરૂ રૂપે મળે તો તેને ધરતી પર જ ભગવાન મળ્યા સમાન હોય છે. સદ્દગુરૂ હંમેશા પોતાના શિષ્યને ઉતમ અને સચોટ માર્ગદર્શનના રાહ હેઠળ તેના અંધકાર રૂપી જીવનમાં ઉજાસ બનતા હોય છે. આપણી ઈતિહાસ સાક્ષી છે. વિશ્વના દરેક સુપ્રસિધ્ધ અને ખુબ જ ખ્યાતિ પામેલા વ્યકિતઓના જીવનમાં હરહંમેશ તેમના ગુરૂઓનો મોટો ફાળો રહ્યો છે. ત્યારે આવા પવિત્ર દિવસની ઉજવણી નીમિતે ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત બનેલ જગ્યા શ્રી આપાગીગાનો ઓટલો- ચોટીલા ખાતે પણ સદ્દગુરૂવંદના મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

શ્રી આપાગીગાની જગ્યા- સતાધારના પરમ પૂજય સદ્દગુરૂદેવ જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ અને સદ્દગુરૂશ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુનું પૂજન- વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના શિષ્ય અને શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ દ્વારા મહંતશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ અને શ્રી શામજીબાપુ ગુરૂશ્રી લક્ષ્મણબાપુનું પૂજન- વંદન કરવામાં આવ્યું હતું.

સમગ્ર પૂજન વિધિનાં કાર્યક્રમ બાદ સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલ ભાવિકજનોએ પ.પૂ.સદ્દગુરૂદેવશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુનું પૂજન- અર્ચન કરી ધન્યતા અનુભવી હતી તથા અન્ય ઉપસ્થિત સાધું- સંતો- મહંતોના પણ ઉપસ્થિત જનમેદનીએ પૂજન- અર્ચન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર દિવસો ભાવિકોનો તથા સેવકોનો પ્રવાહ અવિરત ચાલું રહ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત શ્રી આપાગીગાની જગ્યા સતાધાર શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના તમામ સેવકગણો દ્વારા સદ્દગુરૂવંદના બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો.

આ મહોત્સવમાં ગુજરાત- સૌરાષ્ટ્રભરમાંથી ઉપસ્થિત દરેક લોકોને હાલના પ્રવર્તમાન સમય મુજબ સ્વાસ્થ્ય સારૂ જળવાય રહે અને લોકોમાં રોગપ્રતિકારક શકિત વધે તે હેતુથી સરકાર માન્ય ઈમ્યુનીટી બુસ્ટર આયુર્વેદીક દવાઓ ઘનવટી અને ગડુચી (ગીલોય)નું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ એન.-૯૫ માસ્ક અને દરેક વ્યકિતને સેનીટાઈઝર આપવામાં આવેલ હતું.શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ પાસે પણ અવિરત ભાઈઓ- બહેનો- માતાઓ વડીલો બહોળી સંખ્યામાં પધારેલ હતા અને મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. આ તકે મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા ઉપસ્થિત તમામ સાધુ સંતો મહંતો અને અન્ય ઉપસ્થિત રહેલ દરેક લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમ બાદ સાધુ સંતો- મહંતોને શ્રી સતાધાર ધામ તેમજ શ્રી આપાગીગાનો ઓટલાની જગ્યાની પરંપરાઓ મુજબ મહાપ્રસાદ બાદ ભેટ પુજા પણ મહંતશ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા આપવામાં આવી હતી. તેમજ સંપૂર્ણ મહોત્સવમાં સ્વયંમ સેવકો અને ભાવિકો દ્વારા સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ હતું.

(11:49 am IST)