Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સાથે નોકરી કરવામાં ભેગા થયા, પ્રેમ થયો, શરીરસંબંધ બાંધ્યા...ત્યકતા સગર્ભા થઇ જતાં સંજય ભાગી ગયો

મુળ સાવરકુંડલાના શખ્સ સંજય ઉર્ફ બિપીન ધમલ સામે યુનિવર્સિટી પોલીસે છેતરપીંડી અને બળાત્કારનો ગુનો નોંધી સકંજામાં લીધોઃ પૈસા ભેગા થાય એટલે લગ્ન કરી લઇશ તેવી લાલચ આપી વારંવાર પતિ-પત્નિ જેવા સંબંધ બાંધી લીધાનો આરોપ

રાજકોટ તા. ૨૭: શહેરમાં એકલી રહેતી ૨૭ વર્ષની ત્યકતાને કોરોનાકાળમાં એક વૃધ્ધાની સેવાચાકરી કરવાની નોકરી દરમિયાન સાથે નોકરી કરતાં મુળ સાવરકુંડલાના સંજય ઉર્ફ બિપીન નાનજીભાઇ ધમલ સાથે ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થઇ જતાં સંજયએ પોતાની પાસે પૈસા ભેગા થશે એટલે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી શરીર સંબંધ બાંધી લઇ આ ત્યકતા સગર્ભા થઇ જતાં તેને તરછોડીને ભાગી જતાં યુનિવર્સિટી પોલીસે છેતરપીંડી અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

ફરિયાદમાં ભોગ બનનાર મહિલાએ વિગતો જણાવી છે કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં થયા હતાં. પરંતુ બે વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. પોતાને સંતાન નથી. હાલમાં પોતે એકલી રહે છે. દસેક મહિના પહેલા કોરોનાકાળ વખતે પોતે સાધુ વાસવાણી રોડ પરના એક બંગલામાં એક વૃધ્ધાની સારસંભાળ રાખવાની નોકરીમાં જોડાઇ હતી. અહિ સંજય ઉર્ફ બિપીન પણ માજીનું ધ્યાન રાખવાની નોકરી કરતો હોઇ અમારી બંને વચ્ચે વાતચીતના સંબંધ બંધાયા બાદ અમારી વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. તે વખતે સંજય રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે રહેતો હતો. ત્યાં ભાડુ વધારે હોઇ તેને ભોગ બનનાર મહિલાએ પોતાના ઘર પાસે એક ખોરડી ખાલી હોઇ ત્યાં રહેવા કહેતાં તે ત્યાં રહેવા માંડ્યો હતો.

એ પછી તેણે ત્યકતાને પોતે તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવી વાતો કરી હતી. પ્રેમસંબંધ ગાઢ થઇ જતાં બંનેએ પતિ-પત્નિ જેવા સંબંધ બાંધી લીધા હતાં. ત્યારબાદ તેણીએ લગ્નનું કહેતાં પૈસા ભેગા થાય પછી લગ્ન કરી લઇશ તેમ કહેતો હતો. એ પછી તેણી સગર્ભા થઇ જતાં તેણીએ ફરીથી લગ્નનું કહેતાં સંજયએ હવે બાળક થઇ જાય પછી લગ્ન કરી લેશે તેવી વાતો કરી હતી.

દરમિયાન ગત મે મહિનામાં તે બે દિવસ માટે વતન સાવરકુંડલા જાય છે તેમ કહીને નીકળી ગયા પછી ફોન પણ ઉપાડતો ન હોઇ અને પરત પણ આવતો ન હોઇ તેમજ એક વખત તો ફોનમાં હવે તારી સાથે લગ્ન નથી કરવા અને મારે બાળક પણ નથી જોઇતું તેમ કહી દેતાં ત્યકતાએ પોતાના માતા સાથે વાત કર્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. પીઆઇ  એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરા, બલભદ્રસિંહ, ગિરીરાજસિંહ,   વિપુલભાઇ સહિતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

(11:50 am IST)