Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભારતથી પાકિસ્તાન ગયેલા લોકોની પ્રોપર્ટી અંગે એક મહિનામાં રીપોર્ટ કરવા કલેકટરને આદેશઃ રાજકોટ જીલ્લામાં ૯૪ મીલ્કતો

આ એનીમી પ્રોપર્ટી અંગે ર૦૧૭માં કાયદો ઘડાયો છેઃ હવે અમલવારીઃ રાજકોટ જીલ્લામાં સૌથી વધુ જેતપુરમાં ૯૪ પ્રોપર્ટીઃ મોટાભાગની મીલ્કતનો કબજો તંત્ર પાસે જો આવી મીલ્કતો ખાનગી લોકો પાસે હશે તો તે ગેરકાયદેસર ગણાશે અને કબજો લેવાશેઃ એડી. કલેકટર સાથે વાતચીત

રાજકોટ તા. ર૭ :.. ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા લોકોની મીલકતો અ પ્રોપર્ટી અંગે એક કાયદો - ર૦૧૭ માં અમલમાં મૂકયો હતો, આ કાયદાની અમલવારી હવે શરૂ થઇ છે.

આજે સવારે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇકાલે કેન્દ્રિય ગૃહખાતાની કલેકટર સાથે વીસી યોજાઇ હતી, અને આવી મીલ્કતો રાજકોટ જીલ્લામાં હોય તો તેની સ્થિતિ, હાલ તેનો કબજો કેની પાસે છે, શું સ્થિતિ છે, કઇ પ્રકારની મીલ્કત છે તેનો રીપોર્ટ એક મહિનામાં મોકલવા સુચના આપી છે.

એડી. કલેકટરે જણાવ્યું હતું કે આવી  પ્રોપર્ટી એનીમી પ્રોપર્ટી તરીકે ગણાય છે, અને આપણા રાજકોટ જીલ્લામાં આવી કુલ ૯૪ પ્રોપર્ટી આવેલી છે, જેમાં સૌથી વધુ જેતપુરમાં પ૪, તથા અન્ય મીલ્કતો ઉપલેટા-જસદણ-ગોંડલ ક્ષેત્રમાં આવેલી છે.

તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગની મીલ્કતોનો જે તે સમયે મામલતદારે કબજો લઇ લીધો છે, આમ છતાં જો કોઇ મીલ્કતો ખાનગી લોકો પાસે હશે તો તે ગેરકાયદેસર ગણાશે અને તેનો કબજો લઇ લેવાશે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ઉમેર્યુ હતું કે આવી તમામ મીલકતો અંગેનો સર્વે સંભવત ર થી ૩ દિવસ કે સોમવારથી શરૂ થશે, આ માટે કલેકટરે જે તે વિસ્તારના પ્રાંત-મામલતદારોને સુચના આપી છે.

(11:14 am IST)