Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

હોસ્પિટલોની કામગીરીની તપાસ માટે સમિતિની રચનાઃ સોનલ મિશ્રાને રાજકોટ-ભાવનગરનો હવાલો

વડોદરામાં વિનોદરાવ, સુરતમાં થેન્નારાશન, અમદાવાદમાં મિલિન્દ તોરવણે, ગાંધીનગરમાં સંદીપકુમારને જવાબદારીઃ તા. ૩૧ સુધીમાં અહેવાલ આપવા સૂચનાઃ સોનલ મિશ્રા શનિવારે રાજકોટમાં

રાજકોટ તા. ર૭: રાજય સરકારે કોરોનાના દર્દીઓની સારવાર કરતી સરકારી હોસ્પિટલોની કામગીરીના મૂલ્યાંકન માટે આઇ.ઓ.એસ. કેડરના સિનિયર અધિકારીઓની નિમણુંક કરી છે. રાજકોટ અને ભાવનગર પંથકના જિલ્લાઓનો હવાલો નર્મદા જળસંપતિ વિભાગના સચિવ શ્રીમતી સોનલ મિશ્રાને સોપાયો છે. તેણી શશ્રનિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

ટીમમાં વડોદરા વિસ્તાર માટે શિક્ષણ સચિવ વિનોદ રાવ, સુરત વિસ્તાર માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી. એમ. થેન્નારાશન, અમદાવાદ વિસ્તાર માટે નાણા સચિવ મિલિન્દ તોરવણે અને ગાંધીનગર વિસ્તાર માટે કુટિર ઉદ્યોગ કમિશનર સંદીપકુમારને નિયુકત કરવામાં આવ્યા છે.

સરકારે આરોગ્ય વિભાગના ઉપસચિવ હરેશ પરમારની સહીથી બહાર પાડેલ નિમણુંક સબંધી પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે તથા આ સંક્રમણને વધતું અટકાવવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવેલ છે. કોરોના રોગના ઉદ્દભવ સ્થાન, તેની અસરો અને તેની તમામ આનુષાંગિક બાબતે રોગ અટકાવ અને રોગ નિયંત્રણ અત્યાંત જરૂરી હોય છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે રાજયની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે. હાઇકોર્ટના તા. ૧ટના હુકમથી રાજય સરકારને રાજયની તમામ સરકારી કોવીડ/સિવિલ હોસ્પિટલોની મુલાકાત લઇ તેમાં કરવામાં આવતી કામગીરીનું મુલ્યાંકન કરવા જણાવેલ છે. આ બાબતે સરકારે ટીમની રચના કરી છે. સમગ્ર કામગીરીના સંકલન અને દેખરેખ માટે શ્રી પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવશ્રી (મહેસૂલ વિભાગ) તેમજ ડો. જયંતી એસ. રવિ, અગ્ર સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) અનુક્રમે કન્વીનર અને સહ-કન્વીનર તરીકે રહેશે. આ ટીમ હેલ્થના સીનીયર ડોકટર્સ અને જાહેર આરોગ્યના અધિકારીઓ સાથે નિયત મુદ્દાઓ ચકાસી હાઇકોર્ટને તા. ૪/૯ પહેલા અહેવાલ આપવાનો હોઇ રાજયની તમામ સરકારી કોવીડ/સિવિલ હોસ્પિટલોની મુલાકાત લઇ તા. ૩૧/૦૮ સુધી સરકારને અહેવાલ રજુ કરવાનો રહેશે તેમજ દરેક હોસ્પિટલની વિગતવાર સમીક્ષા અને અહેવાલ પણ રજૂ કરવાનો રહેશે.

(11:36 am IST)