Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

પત્નિ રિસામણે હોઇ ખાર રાખી દિપકે એકટીવા અથડાવી સાળાને પછાડી દઇ માર મારી બટકુ ભર્યુઃ ખૂનની ધમકી

પર્ણકુટીર ચોકી વાળા રોડ પર બનાવઃ શ્રી કોલોનીના વત્સલ ધોણીયાની ફરિયાદ પરથી તેના બનેવી લક્ષમણધામ સોસાયટીમાં રહેતાં દિપક કથીરીયા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૭: શ્રી કોલોનીમાં રહેતાં પટેલ યુવાનને તે એકટીવા હંકારીને જતો હતો ત્યારે પર્ણકુટીર ચોકી વાળા રોડ પર પાછળથી તેના બનેવીએ એકટીવા અથડાવી પછાડી દઇ માર મારી બટકુ ભરી તેમજ ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

પોલીસે આ અંગે નાના મવા રોડ પંચવટી સોસાયટી પાસે શ્રી કોલોની પ્લોટ નં. ૫૩-બીમાં રહેતાં અને અભ્યાસ કરતાં વત્સલ રમેશભાઇ ધોણીયા (પટેલ) (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી સુર્યમુખી હનુમાનજી પાછળ લક્ષમણધામ સોસાયટી-૧માં રહેતાં તેના બનેવી દિપક દેવેન્દ્રભાઇ કથીરીયા (ઉ.વ.૩૨) સામે ગુનો નોંધ્યો છે.

વત્સલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારું એકટીવા જીજે૦૩ડીકે-૮૯૬૩ હંકારી  સાંજે સવા સાતેક વાગ્યે જે. પી. ટાવર્સ ટાગોર રોડ પર આવેલી મારા પિતાની દૂકાનેથી ઘરે જતો હતો ત્યારે પર્ણકુટીર ચોકી વાળા રોડ પર રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ પાસે પહોંચતા મારા બનેવી દિપક કથીરીયા મારી પાછળ તેનું એકટીવા લઇને આવ્યા હતાં અને મારા વાહન સાથે અથડાવી મને પછાડી દીધો હતો. મારી બહેન મીરલબેન રિસામણે હોઇ તેનો ખાર રાખી તેણે આ માથાકુટ કરી હતી. તેમજ મને ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી જમણા હાથની ટચલી આંગળી પર બટકુ ભરી લઇ ઇજા કરી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. એ ભાગી ગયા બાદ મેં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી.

વસ્તલે ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે મારા બહેન અને બનેવી દિપક કથીરીયા વચ્ચે મનદુઃખ ચાલતું હોઇ અને મારી બહેને કોર્ટમાં ખાધાખોરાકી તથા માનસિક ત્રાસનો કેસ કર્યો હોઇ તેનો ખાર રાખી બનેવીએ મારા એકટીવા પાછળ તેનું વાહન અથડાવી મને પછાડી દઇ મારકુટ કરી ધમકી દીધી હતી. હેડકોન્સ. એ. જે. કાનગડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)