Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજકોટના રામનાથપરામાં નીટની પરિક્ષાનું એડમિટ કાર્ડ મળ્યા બાદ વિદ્યાર્થી સુમનનો ફાંસો ખાઇ આપઘાત

મુળ બંગાળનો તેજસ આદેક (ઉ.વ.૧૭) વિધવા માતાનો આધાર અને નાની બહેનનો લાડકવાયો ભાઇ હતોઃ માતા દવા પીને ઉંઘી અને બહેન બાજુમાં ગઇ ત્યાં દરવાજો બંધ કરી પગલુ ભરી લીધું: પરિક્ષાનું ટેન્શન કારણભુત હોવાની શકયતા

રાજકોટ તા. ૨૭: નીટની પરિક્ષા કોરોના કાળમાં લેવાવી જોઇએ કે નહિ? તે મામલે સતત વિવાદ ચાલી રહ્યો છે અને આગામી સપ્ટેમ્બર મહિનામાં પરિક્ષાની તારીખ પણ નક્કી થઇ ગઇ છે ત્યારે રાજકોટના રામનાથપરામાં રહેતાં મુળ બંગાળના વિદ્યાર્થીને ગઇકાલે સવારે નીટની પરિક્ષાનું એડમિટ કાર્ડ મળ્યા બાદ સાંજે પાંચેક વાગ્યે તેણે ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિક્ષાના ટેન્શનમાં આ પગલુ ભર્યાની શકયતા વિદ્યાર્થીના પરિવારજનો દર્શાવી રહ્યા છે.

રામનાથપરા-૬માં રહેતાં સુમન નેપાલભાઇ આદેક (ઉ.વ.૧૭) નામના બંગાળી છાત્રએ સાંજે ઘરમાં ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આપઘાત કરનાર સુમન એક બહેનથી મોટો અને વિધવા માતા હીનાબેનનો એકનો એક આધારસ્તંભ હતો. તેના પિતા નેપાલભાઇનું બે વર્ષ પહેલા બિમારીથી મૃત્યુ થયું હતું. સુમનના કાકા ક્રિષ્નાભાઇએ જણાવ્યા મુજબ ગયા વર્ષે ધોરણ-૧૨ પાસ કર્યુ હતું. હાલમાં તે નીટની પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ પરિક્ષા માટેનું એડમિટ કાર્ડ તેને ગઇકાલે જ મોબાઇલ ફોનમાં ઓનલાઇન મળ્યું હતું. એ પછી તે ટેન્શનમાં હોય તેવું લાગતું હતું. સાંજે પાંચેક વાગ્યે સુમનના માતા હીનાબેનને માથુ દુઃખતું હોઇ તે દવા લઇને ઉંઘી ગયા હતાં અને નાની બહેન સુપર્ણા બાજુમાં આટો મારવા ગઇ હતી અને પાંચ જ મિનીટમાં પાછી આવી હતી. ત્યારે સુમન દરવાજો ખોલતો ન હોઇ હું બાજુમાં જ રહેતો હોઇ મને જાણ કરતાં મેં તપાસ કરતાં સુમને ગળાફાંસો ખાઇ લીધાનું જણાતાં બેભાન હાલતમાં નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. કાકા ક્રિષ્નાભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સુમનને બીજી કોઇ મુશ્કેલી નહોતી. કદાચ ગઇકાલે નીટની પરિક્ષાનું એડમિટ કાર્ડ મળ્યા બાદ તે પરિક્ષાના ટેન્શનમાં આવી જતાં આ પગલુ ભર્યાની શકયતા છે.  એએસઆઇ કે. સી. સોઢા વધુ તપાસ કરે છે.

(1:01 pm IST)