Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

મ.ન.પા. દ્વારા હવે '૧૦૪ સેવા રથ'નો પ્રારંભ

શરદી - તાવ જેવા સામાન્ય રોગની સારવાર હવે ઘર આંગણેઃ ૧૦૪ માં ફોન કરી સારવાર મેળવવા અનુરોધઃ 'લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ' ગીતનું લોન્ચિંગઃ ત્રણ રથનો મેયર-મ્યુ. કમિશનર સહિતના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા શુભારંભ

રાજકોટ તા. ર૭ :..   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી કોરોના મહામારી અંતર્ગત ત્રણ '૧૦૪ સેવા રથ'નો શુભારંભ તથા'લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ' ઓડિયો ગીતનું લોન્ચિંગ મેયર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

મ્યુ. કોર્પોરેશન  દ્વારા રાજકોટ શહેરમાં કોરોના રોગના સર્વેલન્સી નિદાન તથા સમયસર સારવાર અને અટકાયતી પગલાના ભાગરૂપે ૧૦૪ સેવા રથનો નવો અભિગમ ચાલુ કરેલ છે. જે અન્વયે રાજકોટ શહેરમાં ત્રણ  ૧૦૪ સેવા રથ કાર્યરત કરેલ છે અને લોન્ચિંગ મેયર બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા કોર્પોરેટર નીતિનભાઈ રામાણી વિગેરેના હસ્તે ફલેગ આપી શુભારંભ કરાયેલ. કોર્પોરેશન દ્વારા જાહેર સ્વાસ્થ્યના હિતમાં આજથી શરૂ કરવામાં આવેલ ૧૦૪ સેવા રથની સેવા નાગરિકો માટે વર્તમાન સમયમાં ખુબ જ આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.

     જો કોઈ વ્યકિતને કોરોના અંગેના લક્ષણો જણાયે સરકારી હેલ્થ હેલ્પલાઈન નં. ૧૦૪ માં ફોન કરે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે-તે વ્યકિતને દ્યરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. આ સેવાનો લોકો વધુને વધુ લાભ મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રણ  ૧૦૪ સેવા રથ લોકોની સેવામાં કાર્યરત કરેલ છે. આ રથમાં મેડીકલ ટીમ જરૂરી દવા સાધન સામગ્રી સાથે કામગીરી કરશે. આ કામગીરીનો હેતુ Information Advice (માહિતી અને સલાહ) આપવાનો છે. રાજકોટ શહેરમાં સરકારી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ ની આવતી ફરિયાદોનું ટીમ દ્વારા દ્યરે મુલાકાત લઇ પ્રાથમિક આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર દ્યર આંગણે જ આપવામાં આવશે. જો વધુ ગંભીર લક્ષણો જણાયે તેનું ટેસ્ટીંગ પણ કરાશે અને જરૂરી જણાશે તો વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત ૧૦૪ સેવા રથનું મોનીટરીંગ કરવામાં આવશે.

     રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની સર્વેલન્સી, સારવાર તથા નિદાનની કામગીરી ધનવંતરી રથનો લોકો વધારેમાં વધારે લાભ લે તથા બહોળો પ્રચાર થાય તે માટે ધનવંતરી રથ પર 'લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ' ગીતનું લોન્ચિંગ પણ આજે કરવામાં આવેલ છે.

        આ લોકજાગૃતિ ગીતનું દરેક રથમાં માઈક દ્વારા પ્રસાર કરવામાં આવશે સાથે કોરોનાની માહિતી પણ ઓડિયો કલીપ દ્વારા આપવામાં આવશે. આ  લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ ઓડિયો કલીપ ધ ગેલેકસી એજયુકેશન સીસ્ટમ ગ્રુપના કિરણબેન પટેલના માર્ગદર્શન હેઠળ અંકુરસર અને રાજીવસરે નિઃશુલ્ક બનાવી રાજકોટ શહેરની જનતાને સમર્પિત કરેલ છે.

(2:59 pm IST)