Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

કોવિડ હોસ્પિટલોમાં કેટલો ચાર્જ લેવાય છે ? તેનું બોર્ડ લગાવવું ફરજીયાત : રેમ્યા મોહન

દરેક કોવિડ હોસ્પિટલોને રેટ ચાર્જનું બોર્ડ લગાવવા તાકીદ : બોર્ડ નહીં હોય તો માન્યતા રદ થશે : કોરોના કેસ વધવા લાગતા દોશી હોસ્પિટલ, વિમાકામદાર દવાખાનુ અને રેલ્વે હોસ્પિટલને કોવિડ માટે સ્ટેન્ડબાય રખાયા

રાજકોટ, તા. ર૭ : શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી બેફામ ચાર્જ પડાવાતો હોવાની ફરીયાદો મળતા કલેકટર રેમ્યા મોહને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 'રેટ ચાર્જ'નું બોર્ડ લગાવવાનું ફરજીયાત બનાવ્યું છે અને જે હોસ્પિટલોમાં બોર્ડ નહીં લગાવેલુ હોય તે હોસ્પિટલની માન્યતા રદ કરવાની કડક ચેતવણી આપી છે.

આ અંગે કલેકટરશ્રી રેમ્યા મોહને જાહેર કર્યું હતું કે, શહેરમાં ૧૮ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલોને મંજૂરી અપાઇ છે તેમાંની કેટલીક હોસ્પિટલોમાં સરકારે નિયત કરેલા ચાર્જ કરતા વધુ ચાર્જ લેવામાં આવતા હોવાની ફરીયાદો મળી ત્યારે હવેથી દરેક ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ફરજીયાત લગાડવાનું રહેશે અને તે મુજબ જ દર્દી પાસેથી ચાર્જ લેવાનો રહેશે.

આ ઉપરાંત કલેકટર તથા મ્યુ. કોર્પોરેશન સાથે દર્દીની સંખ્યા સારવારની વધુની વસુલાત વગેરે બાબતે સતત સંકલનમાં રહેવું પડશે.

આ ઉપરાંત હવે કોરોના કેસ વધવા લાગતા દોશી હોસ્પિટલ, રેલ્વે હોસ્પિટલ અને વિમાકામદાર હોસ્પિટલ આ ત્રણેય હોસ્પિટલોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં ૧પ૦ થી ૧૭પ બેડની વ્યવસ્થા રખાઇ છે.

તેમજ વધુ બેડની જરૂરત પડે તો રેલ્વેના કોચ પણ સ્ટેન્ડબાયમાં રખાયાનું કલેકટરશ્રીએ જાહેર કર્યું હતું.

(3:50 pm IST)