Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સા.નાં ૫૨માં જન્‍મોત્‍સવે માનવતા મહોત્‍સવ સંપન્‍ન

૧૧ અર્હમ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ : સમાજ માટે સેવા બજાવનારા ભાવિકોને પરમ એવોર્ડ અર્પણ

રાજકોટ,તા. ૨૭: કચ્‍છના પુનડી ગામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૨માં જન્‍મોત્‍સવનો માનવતા મહોત્‍સવ લાખો દુઃખી જીવોને શાતા-સમાધિ પમાડતી માનવતાના મોતી વેરી ગયો હતો. પરમ ગુરુદેવને જન્‍મોત્‍સવની અભિવંદના અર્પણ કરવા દિવસોથી આતુર બની રહેલા સમગ્ર મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાત દિલ્‍હી, ચેન્નઈ, બેંગ્‍લોર આદિ દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના ૧૫૬થી વધુ ક્ષેત્રોના મળીને ભાવિકો પુનડી ગામમાં પ્રત્‍યક્ષ તેમજ લાઈવના માધ્‍યમે આ માનવતાના મહોત્‍સવમાં જોડાઈને ગુરુ જન્‍મોત્‍સવના વધામણા કરીને ધન્‍ય બન્‍યા હતા.

અનેક ક્ષેત્રોના જૈન જાગૃતિ સેન્‍ટર્સના ભાવિકો, ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ નિમાબેન આચાર્ય, ‘તેરી મિટ્ટી મેં મિલ જાવા'લોકપ્રિય દેશભક્‍તિ ગીતના રચયિતા મનોજભાઈ મુંતશિર આદિ, ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, તેરા ગામના રાજવી પરિવારના ઉષ્‍મેન્‍દ્રસિંહજી, વિરાયતના શિલાપીજી, આદિ મહાનુભાવોની સાથે અનેક સંઘ શ્રેષ્ઠીવર્યોએ વિશેષરૂપે પુનડીમાં ઉપસ્‍થિત રહીને આ મહોત્‍સવની અનુમોદના કરી હતી.

પરમ ગુરુદેવે સમજાવ્‍યું હતું કે, આ જીવનને શક્‍ય હોય તો સાધનાથી શુદ્ધ કરવું અને સાધના શક્‍ય ન હોય તો જીવનને માનવતાથી વિભૂષિત કરવું તે જ માનવ ભવની સાર્થકતા છે. માનવતાના આ મધુર બોધની સાથે ઉપસ્‍થિત દરેક હૃદય પરમ ગુરુદેવની કરુણા ભાવનાને વંદી રહ્યા જયારે, એકસીડન્‍ટ કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા વેદનાથી પીડાતા હજારો પશુઓને તાત્‍કાલિક સારવારની પ્રાપ્તિ અર્થે ૧૧ અર્હમ એનિમલ એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરવામાં આવ્‍યુ. ઉપરાંતમાં પાંજરાપોળ કે પક્ષીઘરમાં ગયા વિના પણ ઘરમાં બેઠા બેઠા માત્ર એક વીડિયો કોલ પર અબોલ જીવોની ક્ષુધા તૃપ્તિ કરાવતો અર્હમ ઓનલાઇન જીવદયા પ્રોજેક્‍ટ આ અવસરે લોંચ કરવામાં આવ્‍યો હતો. એની સાથે સાથે અનેક ગરીબ સાધર્મિક બહેનો પાસેથી રોટલી ખરીદીને દરરોજ સેકડો ગરીબ ભાવિકોને ભોજન કરાવનારા ‘મીલ્‍સ ઓન વ્‍હીલ્‍સ' પ્રોજેક્‍ટ લોકાર્પણ કરવામાં આવતા સાધર્મિક સહાય અને ભોજનદાનના પાવન સત્‍કાર્યનો પ્રારંભ થયો હતો.

ગુજરાત સૌરાષ્ટ્રની અપંગ ગાયોને આર્ટિફિશિયલ લીંબ બેસાડીને એમને દોડતી કરતા અર્હમ અનુકંપા પ્રોજેક્‍ટનું લોકાર્પણ થતાં હર્ષનાદ છવાયો હતો. માતુશ્રી વિમાળાબેન દિલીપભાઈ મહેતાની સ્‍મૃતિમાં રાજકોટના અબોલ જીવોની દરરોજ ક્ષુધા તૃપ્તિ કરાવનારા જીવદયા રથનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. તેમજ કરુણા ફાઉંડેશનને ૨૧ લાખ રૂપિયા ડોનેશન જાહેર કરવામાં આવ્‍યા હતા.

સમગ્ર કચ્‍છની ૫૨ ગૌશાળાઓને આ અવસરે અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે ૫૨ હજાર રૂ.ની ઘાસચારાની સહાય ઘોષિત કરવામાં આવી હતી. એની સાથે પુનડી ગામની સેંકડો ગાયોને ૩૨ પકવાન સાથેનું રજવાડી ભોજન કરાવીને જન્‍મોત્‍સવના વધામણા કરવામાં આવ્‍યા હતા.

વિશેષમાં સંઘ, સમાજ, સંપ્રદાય અને રાષ્ટ્ર માટે અનન્‍ય સેવા બજાવીને અનેરા યોગદાન દ્વારા જીવનને પરમાર્થમય બનાવનારા એવા કચ્‍છના નવનીત પરિવાર, લીલાવતી હોસ્‍પિટલના કાયમી ટ્રસ્‍ટી રેખાબેન શેઠ, શ્રી વર્ધમાન જીવદયા કેન્‍દ્ર લુણીના ટ્રસ્‍ટી વસનજીભાઈ પ્રેમજી સોની,  બિદડા સર્વોદય ટ્રસ્‍ટના લક્ષ્મીચંદભાઈ રાંભિયા- બચુભાઈ, સમાજસેવક તારાચંદભાઈ જગશી છેડાને જીવન સાર્થક સન્‍માન તેમજ યસ બેન્‍કના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર અતુલભાઇ ભેદા, કારગીલ યુદ્ધના વીર લડવૈયા સહદેવસિંહજી ઝાલા, વિરાયતનના આચાર્યશ્રી ચંદનાજીના શિષ્‍યાશ્રી શિલાપીજી, અબોલ જીવોની રક્ષા કરવા તત્‍પર શ્રી હિતભાઈ રિપુલભાઈ શાહ તેમજ નિકુલભાઈ માલવણિયાને ગૌરવવંતા પરમ એવોર્ડ એનાયત કરીને એમની સેવાને બિરદાવવામાં આવી હતી.

આ અવસરે શ્રી શિલાપીજીએ જન્‍મોત્‍સવની શુભેચ્‍છા અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ નીમાબેને પરમ ગુરુદેવ પ્રત્‍યે અહોભાવ અર્પણ કરીને જન્‍મોત્‍સવની શુભેચ્‍છા અર્પણ કરી હતી. ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી અને ચંદ્રકાંતભાઈ શેઠે પરમ ગુરુદેવને સર્વત્ર ધર્મની વસંત સર્જી દેનારા સંત અને પગલે પગલે પુણ્‍ય તેમજ સંસ્‍કારોના ઢગલા સર્જી દેનારા સંત સ્‍વરૂપે જન્‍મોત્‍સવની શુભેચ્‍છા આપી હતી.

અભિમંત્રિત મંગલ કલશની ઉછામણીનો અમૂલ્‍ય લાભ શ્રી અવંતીભાઈ કાંકરિયા, શ્રી સાગરભાઈ ભાયાણી, સૌરભભાઈ ધોળકિયા, શ્રી વિશાલભાઈ પારેખ, હર્ષિતભાઈ તેજાણી, સુનિલભાઈ શાહ, શ્રી તપનભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, ધવલભાઈ છેડા, આદિ પરિવારો દ્વારા લેવામાં આવ્‍યો હતો. પરમ ગુરુદેવને લાડવા વહોરાવવાનો અનન્‍ય લાભ મૂલરાજભાઈ છેડા - SPM પરિવાર, માતુશ્રી તારાબેન ચૂનીલાલ મોદી- બાદશાહ પરિવાર, જીગરભાઈ શેઠ પરિવાર તેમજ પ્રદીપભાઈ મહેતા પરિવાર લઈને ધન્‍ય બન્‍યા હતા. એક તરફ આજીવન નોનવેજ ત્‍યાગ, આજીવન સી ફૂડ ત્‍યાગની કેટલાક ભાવિકોની ભેટ સાથે પુનડીના અનેક જૈનેતર ભાવિકોએ કદી પણ અપશબ્‍દ ન બોલવાની પ્રતિજ્ઞા પરમ ગુરુદેવના ચરણે ભેટ સ્‍વરૂપે અર્પણ કરી હતી.

પુનડી ગામના બાળકો દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવેલી અદભુત ગુરુ વંદના, સામાયિક સૂત્ર પઠન, તેમજ ભવિષ્‍યમાં કદી નોનવેજ ન ખાવાના અને માતા-પિતાની સેવા કરવાના વચન આપવા સાથે પરમ ગુરુદેવના જીવન આધારિત નૃત્‍ય નાટિકા, ઔરંગાબાદ લુક એન લર્નના  બાળકોની સુંદર પ્રસ્‍તુતિ અને પૂજય શ્રી પરમ મહાસતીજી વૃંદ તેમજ અનેક ભાવિકો દ્વારા પરમ ગુરુદેવના ગુણોને દર્શાવતી ૫૨ શાલની અર્પણતાના દ્રશ્‍ય, SPM પરિવારના મુલરાજભાઈ છેડા દ્વારા આપવામાં આવેલા સુંદર આવકાર સાથે આ અવસર પ્રભુ ભક્‍તિ, ગુરુ ભક્‍તિ, અને માનવતાની ભક્‍તિનો અનુપમ ત્રિવેણી સંગમ બની ગયો.

(11:42 am IST)