Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભોમેશ્‍વર રેલવે ફાટક પાસે પુલ નીચે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણ્‍યા યુવાનનો આપઘાત

યુવાનના ખીસ્‍સામાંથી મળેલી ડાયરીમાં ‘આઝાદ' લખેલ છેઃ ગાંધીગ્રામ પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ આદરી

રાજકોટ તા. ર૭: ભોમેશ્‍વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક અજાણ્‍યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ ભોમેશ્‍વર રેલવે ફાટક પાસે સાંઢીયા પુલ નીચે એક આશરે રપ વર્ષનો અજાણ્‍યો યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન મૃતક યુવાનના ખીસ્‍સામાંથી હીસાબ લખેલી ડાયરી મળી આવી હતી, તેમાં આઝાદ નામ લખ્‍યું છે.

આ બનાવમાં યુવાનની ઓળખ મેળવવા હેડ કોન્‍સ. ઘેલુભાઇએ તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮૧-રપ૮૮૦૮પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:41 pm IST)