Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ધોરણ-૯ની વિદ્યાર્થીની દ્રષ્ટીએ જન્મદિવસે જ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો

કોઠારીયા સોલવન્ટ નારાયણનગરમાં બનાવથી મકવાણા-કોળી પરિવારમાં અરેરાટી : પરિવારજનોએ કહ્યું દિકરી જિદ્દી સ્વભાવની હતીઃ માતા પિતા અને ભાઇ ત્રણેય કારખાને કામે ગયા હતાંઃ સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે દરવાજો બંધ હોઇ તે તોડીને જોતાં દિકરી લટકતી મળીઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૭ઃ આત્મહત્યાની વધુ એક ઘટનામાં ચોૈદ વર્ષની ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો છે. કરૃણતા એ છે કે આ છાત્રાએ પોતાના જન્મદિવસને જ મરણદિવસ બનાવી દીધો હતો. કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં બનેલી આ ઘટનાથી મકવાણા-કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ નારાયણનગર-૮માં રહેતી દ્રષ્ટી ભરતભાઇ મકવાણા (ઉ.૧૪) નામનીબાળાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી મનિષાબેન ચોૈહાણ દ્વારા થતાં પોલીસ કન્ટ્રોલ રૃમના ઇન્ચાર્જ પીએસઆઇ એચ. જી. ગોહિલે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે હેડકોન્સ. જયદિપભાઇ બોસીયા તથા કુલદિપસિંહે ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દ્રષ્ટી ધોરણ-૯માં શ્રીમતિ સરોજીની નાયડુ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને એક ભાઇથી નાની હતી.  દ્રષ્ટીના માતા, પિતા અને ભાઇ એમ ત્રણેય કારખાનામાં કામ કરે છે. આ ત્રણેય પોત પોતાના કામે ગયા હતાં. સાંજે સાતેક વાગ્યે એક સદસ્ય ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.

દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજો તોડીને જોતાં દ્રષ્ટી લટકતી જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણીએ છતના હુકમાં ચુંદડી બાંધી દેહ લટકાવી દીધો હતો. ૧૦૮ બોલાવાઇ હતી. પરતુ તેના ઇએમટીએ તેણી મૃત્યુ પામી હોવાનું જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. દ્રષ્ટીએ શા માટે આપઘાત કર્યો તે અંગે પરિવારજનોએ કોઇ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. પરંતુ તેણી જિદ્દી સ્વભાવની હોવાનું કહ્યું હતું. ગઇકાલે ૨૬મીએ જ દ્રષ્ટીનો જન્મદિવસ હતો, આ દિવસે જ તેણે મોતને વ્હાલુ કરી લીધું હતું. એકની એક લાડકી દિકરીના આ પગલાથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:43 pm IST)