Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ધોળ, મંગળ અને ગરબો

ધોળ મંગળની પરંપરા જોઇએ તો લાંબે પંથે પળતી જાનની વાટ ખૂટવાડવા તેમજ પ્રભાતીમાં ગવાતા કથાનક ના વળાવવા, ગીતો ગવાય છે. તેને ‘ધોળ મંગળ' કહેવાય છે. માંગલીક પ્રસંગે ગવાતા આ કંઠસ્‍થ ધોળ ગ્રામ પ્રજામાં ઘણાં જ પ્રચલિત છે. ધોળ ગ્રામ સમાજની ખેતી કરતા કોમોમાં તેમજ વસવાયામાં વિશેષ પ્રચલિત છે. ધોળ મંગળનો ગેય પ્રકાર ઘણો જુનો છે.

જયારે ગરબો કે રાસડો ખાસ કરીને સૌરાષ્‍ટ્રના લોકજીવનમાં સ્‍ત્રીઓ વચ્‍ચે રમાતો વિશિષ્‍ટ ગેય નર્તન પ્રકાર છે. તેની પરંપરા ઘણી જૂની છે. અપભ્રંશ - કાળમાં રાસુ અથવા રાસક પરથી ‘રાસડો' અથવા ‘ગરબો' પરંપરા એ ઉતરી આવ્‍યો છે. ‘રાસક'માં ‘ક' પ્રત્‍યય લઘુતાદર્શી છે. પરંપરાનુસાર રાસકો આઠસો વર્ષથી ગવાતો - રમાતો આવે છે. રાસો કોઇ ધાર્મિક પ્રકાર નહીં, પરંતુ મનમોજથી રજૂ કરતો ગેય - નર્તન પ્રકાર છે.

ધોળ મંગળનું સ્‍વરૂપ પણ કંઇક અંશે કથાનકવાળું ઘટના, મધ્‍ય - ખંડમાં સંવાદ અને મંગળ ફલશ્રૃતિ સાથે તેનું સમાપન થાય છે. અપભ્રંશ પહેલા પણ ધોળ રચાતા હતાં. ગુજરાતમાં આશરે છેલ્લા ૧૦૦૦ વર્ષથી ધોળ મંગળ ગવાતા આવ્‍યા છે. હેમચંદ્રાચાર્ય, દલપતરામ, શાલીભદ્ર, સૂરી, મહાદેવ રામચંદ્ર નણુસ્‍ટે, ઝવેરચંદ મેઘાણી અને જોરાવરસિંહ જાદવે ધોળ મંગળનું સંપાદન કર્યુ છે.

સૌરાષ્‍ટ્રના સેંકડો ગરબામાં ધોળ મંગળની છાંટ વરતાય છે. ગરબો કે ગરબી દેવીની સમક્ષ રમવામાં આવે છે. પ્રથમ દેવ-દેવીને અનુલક્ષીને પછી કુટુંબના સંબંધીને અનુલક્ષીને ધોળ ગાવય છે. ધોળનો ટૂંકો પ્રકાર તે ‘દાવલક' સામાજિક સ્‍વરૂપના ધોળમાં કુટુંબ મંગલ અને ગૃહ જીવનની રોજિંદી ઘટનાઓનો આલેખ છે. ‘છાયલ' એ ધોળમાં દાંપત્‍ય પ્રેમની વધાઇ છે, તો સાધુ-જમાડયા માં ભકિત ભાવના મુખ્‍ય છે. ધોળ મંગળનું બંધારણ જોઇએ તો તે કથાનકનું કથ્‍ય ગીત છે.

મુખ્‍યત્‍વે કોઇપણ પ્રકારની કથા કે ઉપકથાની વસ્‍તુ નિરૂપે છે. ધોળ મંગળમાં બહુ લાધવભરી રીતે વાર્તા-કથનની જેમ પ્રયોજાય છે.

ધોળની નિરૂપણ શૈલી મુખ્‍યતા :બે પ્રકારમાં નિરૂપાઇ છેઃ સીધી સાદી વર્ણનાત્‍મક શેલી દા.ત.‘દશાવતાર' સંવાદાત્‍મક શૈલી - સંવાદમાંથી પાત્રોને બ્રાહ્ય - આંતરિક સંઘર્ષ તેમજ સંવેદનાઓની અનુભૂતી થાય છે. ધોળની કથા ઘટનામાં ગૃહ જીવનની તકડી - છાંયડીના કથાનક આ ધોળમાં વિશેષ નિરૂપાયા છે. વર્ણાત્‍મક પ્રકારના ધોળમાં સંવાદ નથી, પણ નાટયાત્‍મક રીતના ધોળમાં સંવાદ અને પાત્રની ઉકિત આવે છે. દેશ જ ધોળ એ કંઠસ્‍થ પરિપાટીનું સાહિત્‍ય હોવાથી તેમાં લાઘવ અનિવાર્ય બની રહે છે.(૨૩.૩૫)

નંદ કુંવર અલબેલો, કયાં ગયો નંદ કુંવર અલબેલો,

ગોકુળ ઢુંઢું મથુરા ઢુઢું, ઢુંઢી વૃંદાવન વેલો.

નટવર આહલપરા

મો.૯૯૭૪૦ ૦૯૦૦૪૨

(4:52 pm IST)