Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિવાળીના તહેવાર પૂર્વે દારૂની રેલમછેલ : શાપર પાસેથી ૧૩.૫૩ લાખનો દારૂ ભરેલ કન્ટેનર એલસીબીએ ઝડપી લીધું

વિદેશી દારૂનો જથ્થો જૂનાગઢ પહોંચે તે પૂર્વે જ એલસીબીના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. એસ.જે.રાણાની ટીમે દબોચી લીધા : કન્ટેનર સહિત ૨૮.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં દારૂ ભરેલુ કન્ટેનર, કન્ટેનરમાં બનાવાયેલ ચોરખાનુ તથા પકડાયેલ ડ્રાઇવર નજરે પડે છે.

રાજકોટ તા. ૨૭ : દિવાળીના તહેવારમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય બન્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસ પણ દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી રહી છે. ગઇકાલે શાપર - વેરાવળ પાસે ૧૩.૫૩ લાખના દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.

રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ. એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પો. હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ.ભાવેશભાઇ મકવાણા તથા પ્રણયભાઇ સાવરીયા નાઓને સયુકત મળેલ હકિકત આધારે કોટડાસાંગાણી તાલુકાના શાપર વે. ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી જુનાગઢ તરફ પસાર થનાર કંન્ટેનર નં. ઞ્થ્-૧૫-ખ્વ્-૨૭૦૯ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૩૭૩૨ જેની કિં.રૂ. ૧૩,૫૩,૬૦૦ તથા કન્ટેનર સાથે મળી કુલ રૂ. ૨૮,૫૮,૬૦૦ના મુદામાલ સાથે હેમારામ રેખારામ જાણી જાતે- જાટ(ચૌધરી) ઉ.વ. ૨૩ ધંધો- ડ્રાઇવીંગ રહે- સરલા ગામ તા. સેડવા જી. બાડમેર (રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.

પકડાયેલ હેમારામએ આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યાની અને જૂનાગઢ પહોંચાડવાનો હોવાની કબુલાત આપી હતી. જૂનાગઢ પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મંગાવનારને વ્હોટસએપ કોલ કરવાનો હતો પરંતુ શાપર પાસે જ દારૂનો જથ્થો પકડાઇ ગયો હતો.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. એ.એસ.આઇ. મહેશભાઇ જાની પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી, પો. હેડ કોન્સ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, પો. કોન્સ. રહિમભાઇ દલ, પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ભાવેશભાઇ મકવાણા, પ્રણયભાઇ સાવરીયા, નરેન્દ્રભાઇ દવે, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા તથા સાહિલભાઇ ખોખર રોકાયા હતા.

(11:29 am IST)