Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

એડવોકેટ જયંતિભાઇ ઠુમ્મરે ચિઠ્ઠીમાં લખ્યું : વારંવાર ઉઘરાણી કરતાં વાયદા જ આપ્યા, પૈસા ન આપ્યા...આત્મહત્યા સિવાય રસ્તો નથી

રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખના બનેવીએ કુવાડવા રોડના બગીચામાં ફિનાઇલ પી લીધી : સ્યુસાઇડ નોટ કબ્જે : પૂર્વ ડે. મેયર અશ્વિન મોલીયા સહિત ૧૩ જણા સવા બે કરોડ પાછા ન આપતાં કંટાળી ગયાનું કથનઃ જયંતિભાઇએ કહ્યું-પોલીસમાં અરજી કરેલી, પણ એ ફાઇલ થઇ ગઇ હતીઃ લેણદારોએ કહ્યું-તમારા પૈસા આપી દીધા છે, મેં પુરાવા માંગતા કહ્યું આમાં પુરાવા ન હોય, આપી દીધા એટલે આપી દીધાઃ આ કારણે આઘાત લાગતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૭: શહેરના રૈયા રોડ પર વિમાનગર-૩માં રહેતાં વ્યવસાયે એડવોકેટ અને જીલ્લા પંચાયત રાજકોટના પ્રમુખ ભૂપતભાઇ બોદરના બનેવી જયંતિભાઇ બચુભાઇ (જે. બી.) ઠુમ્મર (ઉ.વ.૬૫)એ સાંજે કુવાડવા રોડ પરના આશ્રમ રોડ પર આવેલા પારૂલ બગીચામાં ફિનાઇલ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે પોલીસને ચાર પેઇજનું લખાણ આપ્યું હતું. જેમાં આરોપ મુકાયો છે કે પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા સહિતના તેર જેટલા લોકોને હાથ ઉછીના આપેલા સવા બે કરોડ જેવી રકમ આ લોકો વારંવાર ઉઘરાણી કરવા છતાં પાછા આપતાં ન હોઇ પોતે આર્થિક મુસિબતમાં આવી જતાં આ પગલુ ભરવા મજબૂર થયા છે. પોલીસને પણ જયંતિભાઇએ આવુ નિવેદન આપ્યું છે.

જાણવા મળ્યા મુજબ એડવોકેટ જયંતિભાઇ ઠુમ્મરે સાંજે પારૂલ બગીચામાં ફિનાઇલ પી લેતાં કુવાડવા રોડ પરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં આ અંગે પોલીસને જાણ થતાં બી-ડિવીઝનના કે. સી. સોઢા સહિતની ટીમ પહોંચી હતી. પોલીસે નિવેદન નોંધતા જયંતિભાઇ ઠુમ્મરે જણાવ્યું હતું કે તેમણે ૨૦૧૧થી ૨૦૧૫ના વર્ષમાં શહેરના પૂર્વ ડે. મેયર અશ્વિન મોલીયા સહિત તેર જેટલા લોકોને સવા બે કરોડની રકમ હાથ ઉછીની આપી હતી. આ રકમની હાલમાં પોતાને જરૂર હોઇ વારંવાર બધા પાસે ઉઘરાણી કરવા છતાં તેઓ આ રકમ આપતાં નથી. આ કારણે પોતે આર્થિક ભીંસમાં આવી ગયા છે. જેથી કંટાળીને ફિનાઇલ પી ગયા છે.

જયંતિભાઇએ ચારેક પેઇજનું લખાણ કરી સ્યુસાઇડ નોટ લખી છે. તેમાં રકમના હિસાબો અને નામો લખ્યા છે. જે નામો છે તેમાં અશ્વિન મોલીયા, મનસુખ માવજી પીપળીયા, સંજય પી. પટેલ, ચિરાગ બી. પરસાણા, નિરવ અશ્વિનભાઇ મોલીયા, જગદીશ લીંબાસીયા, ભરત એન. તળાવીયા, રમેશ કે. શિંગાળા, વિજય એન. રૈયાણી, ભરત એમ. રાદડીયા, હસમુખ ઉર્ફ હસુ કેરાળીયા, જસ્મીન પીપળીયા અને જય ગુરૂદેવ ડેવલોપર્સના સંચાલક સહિતનો સમાવેશ થાય છે. આ બધાને અલગ અલગ રકમ મળી કુલ રૂ. સવા બે કરોડ હાથ ઉછીના આપ્યા હતાં. પણ હવે આ લોકો રકમ આપતાં નથી. સ્યુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે.

ચિઠ્ઠીમાં જયંતિભાઇએ લખ્યું છે કે-મેં અશ્વિનભાઇ ચતુરભાઇ મોલીયાને પોતે કન્ટ્રકશનનું કામ કરતાં હોઇ તેમને થોડા સમય માટે પૈસાની જરૂર હોઇ જેથી તેમના નામનો ચેક લખીને પૈસા આપ્યા હતાં. તેણે જરૂરીયાત મુજબની રોકડ ઉપડાી હતી. તેમાંથી તે અન્યને પણ રકમ આપતાં હતાં. આ બધો વ્યવહાર ૨૦૧૧થી ૨૦૧૫ વચ્ચેનો હતો. હાલ બેંકમાં હપ્તા સમયસર ભરી ન શકાતા હોઇ હપ્તા ચડવા લાગ્યા હતાં. આથી મેં અવાર નવાર અશ્વિન પાસે ઉઘરાણી કરતાં જુદા જુદા બહાના કાઢી વાયદા આપ્યા હતાં. છતાં મારા પૈસા પરત ન આપતાં મારે આ આત્મહત્યાનું પગલુ ભરવું પડે છે. મારી આર્થિક સ્થિતી પણ કથળવા લાગતાં આ સિવાય અન્ય કોઇ રસ્તો રહેતો નથી. પોતે રાજકીય માણસ હોઇ અને ડે. મેયર પદે રહી ચુકયા હોઇ આથી મને મારા પૈસા પરત આપવા કોઇ ગંભીરતા લીધી નથી.

વધુમાં અશ્વિનભાઇ મોલીયા, નિરવ મોલીયા સહિતનાને પણ ચેકથી પૈસા આપેલ હોઇ તેની પાસે ઉઘરાણી કરતાં મને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતાં અને એવું કહેલ કે અમે તમને બધી રકમ પરત આપી દીધી છે. અમારી પાસે પૈસા માંગવા ન આવવું. મેં કહેલુ કે મારી રકમ પરત આપી દીધી હોય તો તેના પુરાવા આપો. તો બધાએ કહેલું કે પુરાવા આમા ન હોય.  પરત આપી દીધા એટલે આપી દીધા, આથી મને ખુબ જ આઘાત લાગી જતાં મેં આપઘાત કરી લેવાનો વિચાર અમલમાં મુકયો છે. અગાઉ મેં ૧૯/૩/૧૮ના રોજ પોલીસ કમિશનરશ્રીને અરજી કરતાં ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી. જે તે વખતે અશ્વિનભાઇ ડે. મેયર હોઇ રાજકીય માણસ હોવાથી પોલીસે બે ત્રણ જણને બોલાવી નિવેદન લઇ જવા દીધા હતાં. બધાએ એવું કહેલું કે જયતિભાઇને પૈસા આપી દીધા છે. એટલે કોઇ ફરિયાદ બનતી નથી. તેમજ મારી ફરિયાદ ફાઇલ કરી દીધી હતી. હકિકતે મને કોઇએ રકમ આપી નથી. આથી મને ખુબ આઘાત લાગ્યો છે...લી. જયંતિભાઇ બચુભાઇ.

પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી તપાસ યથાવત રાખી છે. દરમિયાન જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે પણ આ ઘટનાને સમર્થન આપ્યું હતું અને હાલમાં બનેવીની તબિયત સારી હોવાનું કહ્યું હતું.

(11:30 am IST)