Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ યાર્ડ મગફળીની આવકોથી છલોછલઃ પોણો લાખ ગુણીની આવક

મગફળીની આવકો બંધ કરાઈઃ કપાસની પણ દૈનિક ૩૦થી ૩૫ હજાર મણની આવકો

રાજકોટ, તા. ૨૭ :. રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા યાર્ડ મગફળીથી છલોછલ થઈ ગયુ હતુ. આજે એક જ દિવસમાં મગફળીની ૭૫૦૦૦ ગુણીની આવકો થઈ હતી. મગફળીની સાથે કપાસની પણ ધૂમ આવકો થઈ રહી છે.

રાજકોટ યાર્ડમાં અઠવાડીયા પછી મગફળીની આવકો શરૂ કરાતા ગઈકાલ રાતથી મગફળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને એક જ દિવસમાં ૭૫૦૦૦ ગુણી મગફળીનો જથ્થો ઠલવાતા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવકો બંધ કરાય હતી. મગફળી જીણી એક મણના ભાવ ૯૩૫થી ૧૧૩૭ રૂ. તથા મગફળી જાડી એક મણના ભાવ ૯૯૫થી ૧૧૬૬ રૂ. ખેડૂતોને મળ્યા હતા. મગફળીના ભાવો સારા હોય ખેડૂતો મગફળીનો જથ્થો યાર્ડમાં ઠાલવી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં મગફળીની સાથે કપાસની પણ ધૂમ આવકો થઈ રહી છે. યાર્ડમાં કપાસની દૈનિક ૩૦થી ૩૫ હજાર મણની આવકો થઈ રહી છે. કપાસ એક મણના ભાવ ૧૧૪૦થી ૧૬૯૧ રૂ.ના ભાવે સોદા પડયા હતા. કપાસના ભાવ ઉંચા હોય ખેડૂતો કપાસ ઉતર્યા બાદ તૂર્ત જ યાર્ડમાં ઠાલવી રહ્યા છે અને રાજકોટ યાર્ડમાં રોજેરોજ કપાસનો જથ્થો વેચાઈ જતો હોય કપાસની હરરાજી દૈનિક થાય છે. જ્યારે મગફળીની દૈનિક ૧૦ હજાર ગુણી જ વેચાતી હોય અને મગફળીની જંગી આવકો થતી હોય તમામ મગફળીનો જથ્થો વેચાય ગયા બાદ બીજી આવકો શરૂ કરાય છે.

(12:56 pm IST)