Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પારકી જમીનમાં ઘુસી મકાન બનાવી લીધા : ખોડિયારપરાના ૬ ઘૂસણખોરોની ધરપકડ

કેસરી પુલ પાસે રહેતાં અનુપભાઇની જમીનમાં ૧૧ વર્ષથી કબ્જો થઇ ગયો'તો : લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ માલવીયાનગર પોલીસમાં ગુનો દાખલ થતાં કાર્યવાહીઃ મહિલા સહિત ત્રણ આરોપીની શોધખોળ

રાજકોટ તા. ૨૭: લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ વધુ એક ગુનો દાખલ થયો છે. મવડી પ્લોટમાં આવેલા પારકા પ્લોટમાં નવ શખ્સોએ અગિયારેક વર્ષથી ઘુસણખોરી કરી મકાન બનાવી નાંખ્યા હોઇ માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં એસીપીની ટીમે છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

 મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર જમીન ધરાવતાં કેસરી પુલ પાસે ખોડિયારપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં અનુપભાઇ હીરાભાઇ રાવળ (ઉ.૫૮)ની જમીનમાં નવ જેટલા શખ્સોએ ઘુસણખોરી કરી મકાન-ઓરડી ચણી લીધા હોઇ આ મામલે તેમણે રજૂઆત કરી હતી. ૨૦૦૭માં તેમણે પ્લોટ લીધો હતો. આ પ્લોટમાં કબ્જો થઇ ગયો હતો. મવડી તા.રાજકોટ ના સર્વ ને ૫૧ ની સનદ નં. ૧૪૮ પ્લોટ નં ૫૨ની જમીન ચો.મી.આ.૫૦૦ની વર્ષ ૨૦૦૭માં અનુપભાઇએ રૂ. ૬૧ હજારમાં ખરીદી હતી. આ જમીન પર હાલમાં ગેરકાયદેસર કબ્જો થઇ ગયો હોઇ અનુપભાઇએ રજૂઆત કરી હોઇ તપાસ કરી પોલીસે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના નવા કાયદા હેઠળ નવ આરીપીઓ સામે ગુનો નોંધ્યો છે.

એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ કે. એન. ભુકણ અને ટીમે આ ગુનામાં  (૧) જયરાજ મોહનભાઇ રાઠોડ (ઉ.વ ૩૦ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છોમાના મંદીર પાસે રાજકોટ),(૨) દિપ મોહનભાઇ રાઠોડ (ઉ.વ.૨૮ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા મચ્છો માના મંદીર પાસે), (૩) હકા ઉર્ફે હકો બોઘાભાઇ શિયાળ (ઉ.વ ૩૨ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા),  (૪) ભીખા વેજાભાઇ ગમારા (ઉ.વ ૬૩ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા),  (૫) રાજુ ગોવીંદભાઇ ગમારા (ઉ.વ ૪૨ ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા), (૬) લીંબા ભલાભાઇ ચાવડીયા (ઉ.વ ૬૦ રહે. ખોડીયારનગર શેરી નં ૧૬ મફતીયા પરા)ની ધરપકડ કરી છે. જ્યારે ત્રણ આરોપીઓ વેલા કડવાભાઇ જોગસવા, પંકજ મૈયાભાઇ અને જેતુનબેન નુરમહમદભાઇની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ અને ટીમે આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)