Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉપલેટામાં ચુનાનું ઉત્પાદન કરતા એકમ ઉપર દરોડાઃ કરોડની ટેક્ષ ચોરી ઝડપાઇ

રાજકોટ સેન્ટ્રલ ગુડસ અને સર્વિસ ટેક્ષ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહીઃ એશિયન લાઇમમાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સેન્ટ્રલ ગુડસ અને સર્વિસ ટેક્ષ વિભાગની ટીમ દ્વારા ઉપલેટા ખાતે ચુનાનું ઉત્પાદન કરતા એકમ ઉપર દરોડાની કાર્યવાહી કરતા મોટી ચોરી પકડી પાડી હોવાનું સર્વિસ ટેક્ષ વિભાગના અધિકારીએ જણાવ્યું છે જો કે અંદાજે એકાદ કરોડની ટેક્ષ ચોરી હોવાનું કહયું છે. પરંતુ વ્હેલી સવાર સુધી કામગીરી ચાલુ હોય ચોકકસ આંકડો બહાર હવે આવશે...!

રાજકોટ હેડ ઓફીસની ટીમ દ્વારા ઉપલેટા-પાટણવાવ રોડ ઉપર આવેલી એશિયન લાઇમ નામની ચુનાનું ઉત્પાદન કરતા યુનિટ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બીલો સહિત ઉત્પાદન વેંચાણનાં આંકડો મેળવતા વગર બીલે ધુમ માલનું વેંચાણ કરી લાખોની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

વહેલી સવાર સુધી એશિયન લાઇમનાં દસ્તાવેજો ચકાસતા મોટી કરચોરી સામે આવી છે.

તપાસ દરમિયાન કેટલી ચોરી કરવામાં આવી છે તેની રિકવરી હવે હાથ ધરાશે.

વિભાગના સુત્રો દ્વારા માહિતી મળી છે કે આવનારા દિવસોમાં હજુ અનેક જગ્યાએ ટેક્ષ ચોરી કરતા યુનિટો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ટેક્ષ ચોરી કરતા અનેક યુનિટોની જાણવટ ભરી માહિતી હાલ પ્રિવેન્ટીવ ટીમ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ મોરબીના ત્રણ વોલકલોક ઉત્પાદકોને ત્યાં દરોડા કરી એકાદ કરોડની ટેક્ષ ચોરી પકડી રપ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી આજે ફરી પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ઉપલેટામાં દરોડા કરી ટેક્ષ ચોરી ઝડપી પાડી છે. સર્વિસટેક્ષ વિભાગની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા હાથ ધરાયેલ દરોડાની આ કામગીરીથી ટેક્ષની ચોરી કરતા ચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

દરોડાની આ કાર્યવાહીમાં પ્રિવેન્ટીવ ટીમનાં સુપ્રિ. જી.જે. ઝાલા, જે.ડી. પરમાર, મુકેશ શર્મા, નિસીત બુધ્ધદેવ સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

(3:13 pm IST)