Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિવાળીના દિવસોમાં ધંધામાં નડતરરૂપ કરફયુ હટાવો : માસ્કનો દંડ ઘટાડી રૂ.૨૦૦ કરો

દિવાળીની રજામા લોકોને રજાની મજા માણવા છુટ આપો : કોંગ્રેસ

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ હિંમતભેર જીવન જીવી બહાર નીકળેલા લોકો દિવાળી ઉજવવા થનગની રહ્યા છે. વેપારીઓને ધંધો કરવો છે પણ કર્ફયુ નડતરરૂપ છે. સરકારના ઇશારે પોલીસને પણ ટાર્ગેટ આપ્યા હોય તેમ માસ્ક અને ગાડીઓના દંડ ઉઘરાવી રીતસરનો આતંક મચાવી રહી છે. ત્યારે  દિવાળીના દિવસોમાં લોકો છુટથી રજાની મજા માણી શકે તે માટે કરફયુ દૂર કરવાની કોંગ્રેસે માંગ ઉઠાવી છે.

શહેર કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ કોરોનાથી અનેક લોકોના જીવ ગયા છે પરંતુ હવે કોરોના નામશેષ થઇ ગયો છે ત્યારે પણ સરકાર સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક દંડ અને રાત્રી કરફયુ જેવા કાળા કાયદા અમલમાં રાખીને લોકોને બાનમાં લઇ રહી છે. નવુ વર્ષ આવી રહ્યુ છે. દિવાળીનો પવિત્ર પર્વ છે જે ઉજવવા લોકોમાં થનગનાટ છે પરંતુ લોકો સરકારના કાળા કાયદા સામે લાચાર બની ગયા છે. સરકારના ઇશારે કામ કરતી પોલીસને પણ ટાર્ગેટ આપ્યા હોય તેમ દરરોજ ચોકે ચોકે ખડકાઇ જઇને માસ્ક વિના નીકળતા લોકો પાસેથી તોતીંગ દંડ વસુલ કરે છે. આ એક હજાર રૂપિયાનો તોતીંગ દંડ ઘટાડીને રૂ.૨૦૦ કરી આપવા જરૂરી છે. ૧૦૦૦ રૂપિયા ન હોય છતા પ્રજાજનો કેસ થવાની બીકે ગમે તેમ કરી દંડ ચુપચાપ ભરી દે છે. વાહન ચેકીંગના નામે પણ પઠાણી ઉઘરાવી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં બધા ડોકયુમેન્ટ સાથે રાખવા મુશ્કેલ હોય જેથી પોલીસ તેનો ફાયદો ઉઠાવે છે અને દંડ ફટકારે છે. જો દંડનો ભરો તો તહેવારની ચિંતા કર્યા વિના જ વાહન ડીટેઇન કરી નાખવામાં આવે છે. ધંધા રોજગારને પણ મંદીનુ ગ્રહણ લાગી ગયુ છે. બજારમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. પરંતુ રાત્રી કર્ફયુના લીધે વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. દિવાળીના દિવસો કે જયારે કમાવવાના  દિવસો હોય તેમા પોલીસની બીકે વેપારીઓને ધંધા રોજગાર વહેલા બંધ કરવા પડી રહ્યા છે.

કોરોનામાંથી બહાર નીકળેલા લોકોને રજાની મજા માણવી છે પરંતુ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ, કર્ફયુ વગેરે નડતરરૂપ છે. હવે દિવાળીના તહેવારોમાં ૧૨ ના ટકોરે કામે ચોટી જતી પોલીસ નોરતામાં કરેલી ભુલનુ પુનરાવર્તન ન કરે તેવી પણ ટકોર કરવામાં આવી છે. લોકોને છુટથી હરવા ફરવા દયો તો સારૂ સરકાર સામે ખુલીને નહિ બોલી શકતા વેપારીઓમાં  ભયંકર નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે આ નડતરરૂપ રાત્રી કરફયુ હટાવવામાં આવે અને ધંધામાં બરકત મળે તેવો નિર્ણય કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી છે.

(3:15 pm IST)