Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રને ઢંઢોળતુ એબીવીપી : સીન્ડીકેટમાં બઘડાટી

બી ગ્રેડની યુનિવર્સિટીમાં ૪ પ્રશ્નો સાથે એબીવીપીની આક્રમક રજૂઆત : ટીપોઈનો ભૂક્કો : નેહલ શુકલની દરમિયાનગીરીથી મામલો શાંતઃ ૮૮ કરાર આધારીત અધ્યાપકોનો કોન્ટ્રાકટ રીન્યુ ન થયો : દીવાળી બગડી : કોંગ્રેસના ચંચુપાતથી શિક્ષણ ખોરવાયુ : ભાજપ તુરંત ચાલુ કરાવશે : નેહલ શુકલ

રાજકોટ, તા. ૨૭ : બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છબરડા, ભ્રષ્ટાચાર અને રાજકીય અખાડો બની ગઈ હોય તેમ સતત વિવાદમાં રહે છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્ચ સત્તામંડળ, સીન્ડીકેટની બેઠકમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કરી બઘડાટી બોલાવી હતી. જેમાં યુનિવર્સિટીની એક ટીપોઈના કાચનો ભુક્કો બોલી ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠક મળી હતી. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ચાલુ સીન્ડીકેટે અંદર જવાની રજૂઆત કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અંદાજે ૧૦ મિનિટથી વધુ સમયની બઘડાટી બાદ આખરે ચાલુ સીન્ડીકેટે નેહલ શુકલ, મેહુલ રૂપાણી, રાજેશ કાલરીયા બહાર આવી આવેદનપત્ર સ્વીકાર્યુ હતું. વિદ્યાર્થી પરિષદે માંગણી કરી હતી કે આત્મીય કોલેજોના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવી, અંગ્રેજી ભવનના અધ્યાપક જયદેવસિંહ ડોડીયાને કોઈ સમિતિમાં સ્થાન ન આપવુ સહિતના મુદ્દાઓ ઉપર રજૂઆત કરી હતી.

વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત આપતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કાર્યકર્તાઓનો ઉગ્ર મિજાજ હોય યુનિવર્સિટીના સત્તાધીશો અને સીન્ડીકેટ સભ્ય પણ રીતસરના હેબતાઈ ગયા હતા.

આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં વિવાદાસ્પદ કરાર આધારીત અધ્યાપકોની ભરતીનો મુદ્દો છવાયો હતો. જેમાં કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યએ યુજીસીના નિયમ મુજબ તેમજ અન્ય તમામ બાબતોને ધ્યાન રાખીને કરાર આધારીત અધ્યાપકોની પસંદગી કરી રાજય સરકારે ભરતી પ્રક્રિયા રદ્દ કરી હતી. પરિણામે આજે મળેલી સીન્ડીકેટની બેઠકે તમામ ૮૮ કરાર આધારીત અધ્યાપકોને છુટા કરવાનો નિર્ણય તેમજ કોન્ટ્રાકટ રીન્યુ ન કરતા છુટા કરવામાં આવેલ છે. આ અંગે ભાજપના યુવા સીન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસની નબળી માનસીકતાને કારણે યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય ખોરંભે પડ્યુ છે. કરાર આધારીત અધ્યાપકોની તુરંત નિમણુંક કરવા ભાજપની પ્રાથમિકતા રહેશે.

(3:15 pm IST)