Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ જીલ્લા માટે ફટાકડા ફોડવા અંગે એડી. કલેકટરનું જાહેરનામુઃ રાત્રે ૧૦થી સવારે ૬ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

આ જાહેરનામુ આજે તા. ૨૭થી ૨૪ નવેમ્બર સુધી અમલીઃ ભંગ કરનાર ઉપર ફોજદારી રાહે પગલા લેવાશે

રાજકોટ, તા. ૨૭ :. નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર ૭૨૮/૨૦૧૫ના કામે તા. ૨૩/૧૦/૨૦૧૮ તા. ૩૦/૧૦/૨૦૧૮ તથા તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબેત દિશાનિર્દેશો કરેલ છે. તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવું જરૂરી જણાય છે.

જેથી કે.બી. ઠક્કર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા રાજકોટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩(૧) હેઠળ મળેલ સત્તા હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ના બને અને જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે નિયમોના ચૂસ્તપણે પાલન કરવા માટે જાહેરનામુ બહાર પાડયુ છે.

જે મુજબ રાત્રીના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહી. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહિ, ફોડી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહિ.

હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટકાડા વેચી-વાપરી શકાશે. કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહીં ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં.

નેશનલ હાઇવે-૮ (બી) પર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જી. આઇ. ડી. સી., વિસ્તારની પ૦૦ મીટરની હદમાં તથા જવલનશીલ પાર્થના સંગ્રહના સ્થળથી ૧૦૦ મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા નહીં.

ઉપરાંત કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ-આતશબાજી બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. સાથે જાહેર રસ્તા-રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનું, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા- સળગાવવા કે કોઇ વ્યકિત ઉપર ફેંકવા નહીં.

હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના ત્રીજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

(4:08 pm IST)