Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રેસકોર્ષ મેદાનમાં ડ્રાઇવીંગ શીખી રહેલી મહિલાએ ચકરડી અને કાકી-ભત્રીજાને ઠોકરે ચડાવ્યા

દેવીપૂજક પરિવારની ૨૨ વર્ષિય કાજલ અને ૧ વર્ષના કાર્તિકને ઇજા

રાજકોટ તા. ૨૭: ફનવર્લ્ડ પાસેના રેસકોર્ષ મેદાનમાં સાંજે કાર ડ્રાઇવીંગ શીખી રહેલી મહિલાએ અકસ્માત સર્જતા નાશભાગ મચી ગઇ હતી. બેકાબૂ કાર પહેલા ચકરડી સાથે અથડાઇ હતી અને બાદમાં મેદાનના ગેઇટ પાસે ફુગ્ગા વેંચવા બેઠેલા દેવીપૂજક પરિવારના કાકી-ભત્રીજાને ઠોકરે લેતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં.

રેસકોર્ષ મેદાન પાસે જ રહેતાં અને ફુગ્ગા રમકડા વેંચતા કાજલ વિક્રમ ચારોલીયા (ઉ.૨૨) અને તેનો ભત્રજો કાર્તિક ભાવેશ ચારોલીયા (ઉ.૧) સાંજે રેસકોર્ષ મેદાનના ગેઇટ પાસે બેઠા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. અકસ્માત સર્જનાર કાર કોઇ મહિલા ચલાવતી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં પીએસઆઇ એસ. આર. જોગરાણા સહિતે પહોંચી તપાસ કરી હતી. કાર ચકરડીમાં અથડાઇ હોઇ કારમાં પણ નુકસાન થયું હતું. કાર મુકીને મહિલા જતી રહી હોઇ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં જેમાં કાર અથડાઇ તે ચકરડી, તેમજ ઠોકરે ચડેલી મહિલા અને અકસ્માતગ્રસ્ત કાર જોઇ શકાય છે.

(2:36 pm IST)