Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રાજકોટથી ૨૮ લાખના દાગીના-ફોન ચોરી ભાગેલી ભોપાલ ઉર્વશી યાદવ થાનમાં પકડાઇ જતાં કબ્જો મેળવવા તજવીજ

બાર વર્ષની ઓળખાણ હોઇ ફરવા આવેલી મહિલા અને તેની સાથેના લોકો માટે રૂમ બૂક કરાવી આપ્યો હતો

દાગીના ચોરીને રાજકોટથી ભાગેલી ભોપાલની ઉર્વશીને થાન રેલવે સ્ટેશને ત્યાંની પોલીસે પકડી લીધી તેના દ્રશ્યો (ફોટોઃ ફઝલ ચોૈહાણ-વઢવાણ)

રાજકોટ તા. ૨૭: શહેરના રજપૂતપરા- ૩માં આવેલી સીટી ઇન હોટેલના રૂમ નં. ૪૦૩માંથી ગઇકાલે મધ્યપ્રદેશ ભોપાલની ઉર્વશી રામકિશન યાદવ નામની મહિલા બાર વર્ષથી પોતે જેને ઓળખે છે તે રાજકોટના રમેશભાઇના રૂ. ૨૨ લાખના સોનાનાના દાગીના અને રૂ. ૮ હજારના બે મોબાઇલ ફોન મળી રૂ. ૨૮,૦૮,૦૦૦ની મત્તા ચોરીને ભાગી નીકળી હતી. આ મહિલાને થાન રેલ્વે પોલીસની ટીમે થાનગઢ સ્ટેશને પોરબંદર-મુંબઇની ટ્રેન પહોંચી ત્યારે ચેકીંગ દરમિયાન ચોરેલા દાગીના-મોબાઇલ સાથે ઝડપી લીધી હતી. તેણીએ રાજકોટથી ચોરી કર્યાનું જણાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ આજે તેણીનો કબ્જો લેવા થાનગઢ રવાના થઇ હતી.

આ બનાવમાં રાજકોટ એ-ડિવીઝન પોલીસે ૫૬ વર્ષિય રમેશભાઇની ફરિયાદ પરથી ઉર્વશી યાદવ સામે આઇપીસી ૩૮૦ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગુરૂવારે મારી ઓફિસે હતો ત્યારે ભોપાલના ઉર્વશીબેન યાદવે મને ફોન કરી કહેલું કે તે અને બીજા પાંચ છ લોકો અમદાવાદ ખરીદી કરવા આવ્યા હતાં અને ત્યાંથી રાજકોટ ફરવા માટે આવે છે. રહેવા જમવાની વ્યવસ્થા કરી રાખવા તેણે કહેતાં મેં હા પાડી હતી. એ પછી તેણીએ ફરી ફોન કરેલો કે હવે આજે ગુરૂવારે નહિ કાલે શુક્રવારે રાજકોટ આવશું. હું ઉર્વશીબેનને બારેક વર્ષથી ઓળખુ છું. તે એરટેલ કંપનીમાં નોકરી કરે છે અને તેના માતા ન્યુઝપેપર ચલાવે છે. આથી કયારેક કયારેક તેની સાથે વાત થતી હતી. અગાઉ અમદાવાદમાં પણ કામ સબબ ભેગા થયા હતાં.

શુક્રવારે ૨૬મીએ મને ઉર્વશીએ ફોન કરી પોતે અને બીજા લોકો રાજકોટ આવે છે તેમ કહેતાં તેના માટે મેં સીટી ઇન હોટેલમાં રૂમ નં. ૪૦૩ બૂક કરાવ્યો હતો. એ પછી મને બપોરે એકાદ વાગ્યે મને ફોન આવતાં હું તેને મળવા હોટેલ ખાતે ગયો હતો.જ્યાં રૂટીન વાતચીત થઇ હતી. એ પછી મારે કુદરતી હાજતે જવું હોઇ અને હું ધાર્મિકતામાં વધુ માનતો હોઉ જેથી મેં પહેરેલા એકમુખી, પંચમુખી રૂદ્રાક્ષની સોને મઢેલી માળા, સૂર્ય ચંદ્ર સ્ફટીક સાથેની માળા, ગણપતિની કૃતિના પેન્ડન્ટવાળો ચેઇન, આંગળીઓમાં ગ્રહના નંગોવાળી આઠ વીંટીઓ હોઇ તે તથા સોનાનુ કડુ આ બધા દાગીના ધાર્મિક માન્યતાને કારણે હાજતે જતાં પહેલા કાઢીને રૂમમાં ટીપોઇ  પર રાખ્યા હતાં.

હું હાજતે જઇ બહાર આવ્યો ત્યાં રૂમમાં ઉર્વશીબેન નહોતી અને મેં રાખેલા દાગીના, મારા બે મોબાઇલ ફોન પણ નહોતાં. રૂમનો દરવાજો પણ બહારથી લોક કરી દેવાયો હતો. મેં ખખડાવતાં દરવાજો ખુલ્યો નહોતો. એ પછી લોક ખુલી જતાં નીચે ઉતર્યોહતો અને હોટેલના કાઉન્ટર ઉપર અને ૧૦૦ નંબર ઉપર ફોન કરી બનાવની જાણ કરી હતી. પીઆઇ સી. જી. જોષી અને ટીમે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન ૨૮,૦૮,૦૦૦ની મત્તા ચોરી ભાગેલી ઉર્વશી થાન રેલ્વે સ્ટેશને રેલ્વે પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી. પીએસઆઇ એચ. એસ. નિમાવત સહિતનો સ્ટાફે આજે ઉર્વશી યાદવનો કબ્જો મેળવવા થાન રવાના થયો હતો. બપોર સુધીમાં તેની અટકાયત કરી વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવશે. 

(10:59 am IST)