Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માર્કેટયાર્ડના સુકાની પદ માટે સાવલિયા-બોઘરાની સર્વાધિક સેન્સ

ટીમ મહેન્દ્રસિંહ સરવૈયા સેન્સના અડદિયામાં સંકલનનો સુકોમેવો ઉમેરશે : સત્તાનો થાળ પીરસવાનુ કામ પ્રદેશનું કોરાટ અને નંદાણિયાના નામ પણ ઉપસ્યા : અમૂકે નામમાં પડવાના બદલે નિર્ણય પાર્ટી પર છોડ્યો

સેન્સ અમારી, પસંદગી તમારીઃ આજે રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના ચેરમેન -વાઇસ ચેરમેન પદની પસંદગી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ભાજપના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા સહપ્રભારી રક્ષાબેન બોળિયાએ ટીમ સાથે સેન્સ લીધી હતી. આ પ્રસંગે પ્રમુખ મનસુખ ખાચરિયા, ધારાસભ્ય જયેશ રાદડિયા વગેરે ઉપસ્થિત રહેલ. બીજી તસ્વીર ઉપસ્થિત બેડી યાર્ડના ડીરેકટરો અને ભાજપના આગેવાનોની છે. જેમાં જયેશ બોઘરા, જે.કે. પીપળિયા, વિજય કોરાટ, જયંતી ફાચરા,હિતેષ મેતા, બાબુ નસિત, અલ્પેશ ઢોલરિયા, વિજય સખિયા, મોહનભાઇ દાફડા, મુકેશ કમાણી, ગૌરવસિંહ જાડેજા, મોહન ખૂંટ, દિલીપ કુંગશિયા વગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટ, તા., ૨૭: સૌરાષ્ટ્રની અગ્રગણ્ય રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી તા.ર જી ડિસેમ્બરે યોજાનાર છે. તેના સુકાનીઓ પસંદ કરવા આજે ગોંડલમાં જિલ્લા ભાજપના પ્રભારી પાલીતાણાના પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા અને તેમના સાથીદારો દ્વારા સેન્સ લેવામાં આવેલ. ચેરમન પદ માટે સૌથી વધુ સેન્સ પરસોતમ સાવલીયા અને જયેશ બોઘરા માટે રજુ થયાના વાવડ છે. સાવલીયા સિનીયોરીટીની દ્રષ્ટિએ સક્ષમ છે. બોઘરા યુવા શિક્ષીત ચહેરા તરીકે ઉપસી રહયા છે ઉપરાંત વિજય કોરાટ કેશુભાઇ નંદાણીયા, જે.કે.પીપળીયા વગેરે માટે પણ બંને પદને ધ્યાને રાખીને ઓછા-વતા પ્રમાણમાં સેન્સ રજુ થયેલ. સેન્સ આપવા માટે અપેક્ષિત  અમુક આગેવાનોએ કોઇનું નામ આપવાના બદલે પાર્ટીને યોગ્ય લાગેે તેને સુકાની બનાવવવા અભિપ્રાય આપેલ. જે આગેવાનોએ વ્યકિતગત કે સમુહમાં નામ સુચવેલ તેમણે પણ પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય ગણવાની તૈયારી દર્શાવી હતી.

આજે મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, મનસુખ ખાચરીયા વગેરેએ સેન્સ લીધેલ. સેન્સ માટે યાર્ડના ચુંટાયેલા સભ્યો, કાર્યક્ષેત્રમાં આવતા સાંસદ અને ધારાસભ્યો, પાર્ટીના જિલ્લા તથા તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓ વિગેરેનો સમાવેશ થાય છે. પ્રભારી આજે રજુ થયેલ સેન્સ બાદ બે-ત્રણ દિવસમાં સંકલન બેઠક યોજી તેમાં સંકલનના સભ્યોનો અભિપ્રાય ઉમેરશે. સમગ્ર અહેવાલ તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. પ્રદેશ દ્વારા આખરી પસંદગી કરવામાં આવશે. જો કે પ્રદેશના નામે થનાર પસંદગીમાં અમુક સ્થાનિક આગેવાનોનો અભિપ્રાય નિર્ણાયક બનશે.

જિલ્લા ભાજપમાં પ્રવર્તતા જુથવાદના આધારે ખાનગી રાહે ખેંચતાણ ચાલી રહી છે. અમુક દાવેદારોએ પોતાની પસંદગી માટે ખુબ જોર લગાવ્યું છે. જે ચાર નામો સૌથી વધુ ચર્ચામાં છે તેમાંથી જ બેની પસંદગી થાય તેવી શકયતા પ્રબળ છે. સૌથી વધુ સેન્સ પરસોતમ સાવલીયા માટે રજુ થયાનો તેમના ટેકેદારોનો દાવો છે. જો કે જયેશ બોઘરા પણ અમુક મોટા માથાઓના આશીર્વાદથી લગોલગ દોડી રહયા છે. છેલ્લા દિવસ સુધી ખેંચતાણ ચાલુ રહે તેવા એંધાણ છે. અલગ-અલગ અભિપ્રાય છતા પ્રવર્તમાન સંજોગોમાં પ્રદેશ નેતાગીરી જે નિર્ણય કરે તેને તમામ સભ્યો સ્વીકારી લેશે. 

(3:17 pm IST)