Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

રેસકોર્ષમાં જુનિયર કક્ષાની હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ : રાજકોટની ટીમ સેમીફાઇનલમાં

અમદાવાદની ટીમે સુરતને પ ગોલથી હરાવ્યું : આ સ્પર્ધામાં ૭ ટીમે ભાગ લીધો

રાજકોટ, તા. ર૭ : રાજકોટ મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ સંસ્થા દ્વારા આયોજીત રાજ્યકક્ષા જુનિયર હોકી સ્પર્ધા-૨૦૨૧ (ભાઈઓ)નું ઉદઘાટન આજ તા.૨૭, શનિવારના રોજ સવારે ૦૯.૩૦ કલાકે, મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન, રેસકોર્ષ ખાતે ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, કોર્પોરેટર, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પૂજારા, જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજા, જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા, માધવ જશાપરા, તથા હોકી રાજકોટના સેક્રેટરી મહેશ દિવેચા વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલ કે, ગુજરાતની ઓળખ દાળ-ભાત ખાનારું રાજ્ય ગણાતું અને રમતગમત ક્ષેત્રે કોઈ પ્રગતિ નહોતી, પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના રમતવીરો માટે ખેલ મહાકુંભની શરૂઆત કરેલ. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના રમતવીરોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરેલ છે

આ પ્રસંગે મેયર ડૉ. પ્રદીપ ડવએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન બનાવવામાં આવેલ જે ગુજરાત ભરમાં સૌપ્રથમ છે. ખેલાડીઓ આ ગ્રાઉન્ડનો વધુને વધુ લાભ લઇ અને મેજર ધ્યાનચંદ, ધનરાજ પિલ્લાઇની માફક શહેર, રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અરવલ્લી, બનાસકાંઠા અને રાજકોટની ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટ બાદ રાષ્ટ્રકક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પણ કરવામાં આવનાર છે. તેમજ આગામી ડિસેમ્બર માસમાં તમિલનાડુ ખાતે ઓલ ઇન્ડિયા હોકી ટુર્નામેન્ટનું આયોજન થનાર છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ અને બનાસકાંઠા વચ્ચે યોજાયેલ મેચમાં રાજકોટએ ૩-૦ ગોલથી વિજય મેળવેલ અને રાજકોટની હોકી ટીમએ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવેલ છે. જ્યારે અમદાવાદ અને સુરતની ટીમ પૈકી અમદાવાદની હોકી ટીમએ ૫-૦ ગોલથી વિકાર્યક્રમના અંતે હોકી ગુજરાતના વાયસ પ્રેસિડેન્ટ જ્વલંતભાઈ ભટ્ટે ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યકત કરેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ હોકીનું એસ્ટ્રો ટર્ફ ગ્રાઉન્ડ બનાવી હોકીના ખેલાડીઓને પ્રાત્સાહિત કરેલ છે તે બદલ આભાર વ્યકત કાર્યો હતો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ હોકીના મહેશ દિવેચા, જયદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુસ્કાન કુરેશી, રીતુ ધીંગાણિ, દિવ્યેશ મિયાત્રા અને ઈમ્તિયાઝ હોથીએ જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)