Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આજના દિવસે બે થી ચાર સ્થળોએ છૂટાછવાયા કમોસમી વરસાદની સંભાવના

રાજકોટમાં ગતસાંજે ધૂળની જબ્બર ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો : આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જવાની પૂરેપૂરી શકયતા : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૮ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર - કચ્છના કોઈ - કોઈ સ્થળોએ છેલ્લા બે - ચાર દિવસથી જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. કોઈ - કોઈ જગ્યાએ કરા સાથેનો વરસાદ પડે છે. દરમિયાન હજુ આજનો દિવસ બે - ચાર જગ્યાએ વરસાદની સંભાવના છે. હાલ ગરમીમાં પણ વધારો જોવા મળે છે. આજે પણ રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી વચ્ચે જોવા મળશે તેમ હવામાન ખાતાએ જણાવ્યુ છે.

રાજકોટ શહેરમાં પણ ખાસ કરીને બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળે છે. વાદળો છવાઈ જાય છે. પવનો ફૂંકાવા લાગે છે. દરમિયાન ગઈસાંજે પણ એકાએક જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા હતા. ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળતી હતી. મોડીસાંજ સુધી પવનનું ખાસ્સુ એવું જોર રહ્યુ હતું. અસહ્ય ઉકળાટ સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન ખાતાએ જણાવ્યુ છે કે રાજસ્થાન ઉપર છવાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ આજનો દિવસ રહેશે. બે થી ચાર સ્થળોએ બપોર બાદ કમોસમી વરસાદની શકયતા છે. આજે પણ ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી આસપાસ રહેશે. આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી જવાની પૂરેપૂરી શકયતા છે.

(1:07 pm IST)