Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મ.ન.પા.માં કોરોના કેડો મૂકે તો સારૂ : મેયર સહિત ૧૨ સંક્રમિત

પ્રદિપ ડવનો રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેશનમાં : આસી. મેનેજરો, ડે. ઇજનેરો, ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેકટરો સહિતના અધિકારીઓ પણ સંક્રમિત થતા વહીવટી કટોકટી જેવી સ્થિતિ

રાજકોટ તા. ૨૮ : મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન ત્રણેય કચેરીઓમાં એક પછી એક અધિકારીઓ કોરોના સંક્રમિત થવા લાગતા વહીવટી કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે. દરમિયાન મેયર પ્રદિપ ડવનો રિપોર્ટ પણ આજે સવારે પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. તેઓને માત્ર અસર જ છે અને તંદુરસ્ત છે પરંતુ સાવચેતી માટે હોમ આઇસોલેશનમાં રહ્યા છે.

પ્રદિપ ડવ સતત ફીલ્ડમાં કાર્યરત રહ્યા

અત્રે નોંધનિય છે કે, રાજકોટના યુવા મેયર તરીકે પ્રદિપભાઇ ડવે ૧૨ માર્ચે ચાર્જ સંભાળ્યો અને તુરંત જ શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની ત્યારથી મેયરશ્રી સતત ફીલ્ડમાં દોડધામ કરી અને સિવિલ હોસ્પિટલમાં બેડ, આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટીંગ, સ્મશાનની વ્યવસ્થા સહિતની બાબતોએ ચિંતીત રહી અને બને તેટલી પરિસ્થિતિ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેઓ આજથી હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

અધિકારીઓ સંક્રમિત

ઉપરાંત આસી. ઇજનેરો, ડે.ઇજનેરો, આસી. કમિશનર સહિતના અધિકારીઓ પણ સંક્રમિત થયા છે. એક આસી. મેનેજર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વોર્ડ નં. ૧, ૯, ૧૧, ૧૨ના સેનેટરી ઇન્સ્પેકટરો પણ સંક્રમિત થતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વના જાહેર આરોગ્ય વિભાગમાં વહીવટી કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે.

(3:15 pm IST)