Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ગુજરાતમાં કોરોના મોતની સુનામી માટે ભાજપ જવાબદાર : મોઢવાડિયા

રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકારનો ઉધડો લેતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ : રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ : દિલ્હી બેઠેલા આકાઓ ગુજરાતની સ્થિતિ સુધારે : રેમડેસિવિર દર્દીને નથી મળતા અને ભાજપ પ્રમુખને મળી જાય : ઓકસીજન - બેડની સ્થિતિ આજે પણ અત્યંત જરૂરી : રાજકોટમાં કોરોનાની હકીકત બિહામણી છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાની સ્થિતિ અત્યંત બિહામણી હોવાના આક્ષેપો રાજકોટ આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કરી હતી. તે વખતની તસ્વીરમાં તેઓની સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, જશવંતસિંહ ભટ્ટી વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮ : ગુજરાત તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ગામડાઓમાં મહામારી કોરોનાએ હાહાકાર મચાવી મોતનું તાંડવ સર્જયુ છે તેની પાછળ રાજ્યની ભાજપ સરકારની બેદરકાર નીતિ જવાબદાર હોવાનો સણસણતો આક્ષેપ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આજે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો.

અર્જુનભાઇએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થશે તેવું દેશના નિષ્ણાંતોએ સરકારને કહી અગાઉથી જ ચેતવણી આપી હતી. વિદેશોમાં બીજી લહેરે તરખાટ મચાવવાનું શરૂ કર્યું. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોના તાંડવ શરૂ થઇ ગયેલ અને રાજ્ય સરકારને નિષ્ણાંતોએ આ બીજી લહેર મોતની સુનામી સર્જશે તેવી ચેતવણી આપી છતાં રાજ્ય સરકાર બેદરકાર રહી અને હોસ્પિટલો, વેન્ટીલેટર, બેડ, દવા, ઇન્જેકશન વગેરેની આગોતરી વ્યવસ્થા કરવાને બદલે માત્ર ભ્રામક પ્રચારમાં વ્યસ્ત રહી અને કોરોનાએ ગુજરાતના શહેરો ઉપરાંત ગામડાઓમાં તબાહી સર્જી દીધી છતાં રાજ્ય સરકાર બધી જ વ્યવસ્થા હોવાના ગુણગાન ગાઇ રહી છે.

શ્રી મોઢવાડિયાએ વધુમાં આક્ષેપો કરતા જણાવેલ કે, રેમડેસિવિર અને ઓકસીજન વગર લોકો મરી રહ્યા છે. તેવા વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાસે રેમડેસિવિર ઇન્જેકશનો મળે તે બાબત શું સુચવે છે ?

આમ, ગુજરાતમાં સર્જાયેલ કોરોના મોતના તાંડવ સામે ગુજરાતની ભાજપ સરકાર જ જવાબદાર હોવાની પ્રતિતી પ્રજાને થઇ રહી છે. કેમકે હોસ્પિટલોમાં જગ્યા નથી, રેમડેસિવિર ઇન્જેકશનો, દવાઓ, ઓકસીજન મળતા નથી અને હોસ્પિટલમાં દાખલ થવાની લાઇનમાં જ તરફડીને દર્દીઓ મૃત્યુને ભેટી રહ્યા છે ત્યારે સરકારની આવી અત્યંત કરૂણાજનક બેદરકારી કહી શકાય.

આવી સ્થિતિમાં દિલ્હીમાં બેઠેલી સરકારે ગુજરાતની બેકાબુ બનેલી સ્થિતિને કાબુમાં લેવા ખાસ વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ પણ આ તકે શ્રી મોઢવાડિયાએ ઉઠાવી હતી.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા સહિતના સ્થાનિક કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:17 pm IST)