Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પાન-ફાકીના બંધાણીઓ ફરીથી મુંજાયાઃ ‘સ્‍ટોક' ભેગો કરી લેવા દોડાદોડીઃ ચાના થડાઓ-હોટલો પણ બંધ

રાજકોટઃ શહેરમાં ગયા વર્ષેકોરોનાને કારણે આવી પડેલા ઓચીંતા લોકડાઉનને લીધે પાન-ફાકી-તમાકુના બંધાણીઓ અને દારૂના બંધાણીઓમાં દોડધામ મચી ગઇ હતી. કાયમી આદત ધરાવનારાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. છાનેખુણે ફાકી-તમાકુના તો બેફામ કાળાબજાર પણ થયા હતાં. અમુક કલાકો સુધી પાન-મસાલાની એજન્‍સીઓ ખુલી રખાઇ હતી એ દૂકાનો પર પણ બંધાણીઓ પોતાનો ક્‍વોટો એકઠો કરવા મોટી સંખ્‍યામાં પડાપડી કરવામાં માંડતા પોલીસ બોલાવવી પડી હતી. આ વખતે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો નથી. પરંતુ રાજકોટમાં જેનું સોૈથી વધુ ચલણ છે એવી પાન-ફાકીની દૂકાનો અને ચાના સ્‍ટોલ ઓચીંતા જ આગામી પાંચમી મે સુધી બંધ કરી દેવામાં આવ્‍યા હોઇ બંધાણીઓ મુંજાઇ ગયા છે. જેને રાતે ખબર પડી ગઇ હતી તેમણે રાતોરાત પાંચમી સુધીનો પાન-મસાલા-તમાકુ-સોપારીનો ક્‍વોટો એકઠો કરવા વ્‍યવસ્‍થા ગોઠવી લીધી હતી.

અમુક વેપારીઓ કે જેમને આજથી દૂકાનો બંધ રાખવાની છે એવી ખબર નહોતી તેઓ સવારે પાન-ફાકીની દૂકાનો ખોલીને બેસી ગયા હતાં. લોકોએ ત્‍યાંથી વધુ માલ ખરીદી લીધો હતો. હાલ તો પાંચમી મે સુધી શહેર પોલીસ કમિશનરેટ વિસ્‍તારમાં બધુ બંધ રાખવાનો આદેશ છે. આ જાહેરનામુ આગળના પાંચમી પછી વધારવામાં આવશે કે કેમ? એ નિર્ણય જે તે વખતે લેવામાં આવશે.

(11:18 am IST)