Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

બેડ... દવા... ઓકસીજનની અછત બાદ.

હવે શહેરમાં CRP - ડી-ડાયમર ટેસ્ટીંગ કીટની ભારે અછત

રાજકોટની ૪૦૦થી વધુ પેથોલોજી લેબમાં ટેસ્ટીંગ કીટ ખૂટી પડતા દર્દીઓને ભારે હાલાકીઃ બિનજરૂરી ટેસ્ટીંગ ન કરવા પેથોલોજી તબીબોની અપીલ : ટેસ્ટીંગ કીટ મેળવવા રજૂઆત

રાજકોટ તા. ૨૮ : કોરોનાની બીજી લહેરે સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું છે. દરરોજ કોરોના પોઝિટિવ સંખ્યામાં ઉછાળો ધીરે ધીરે કરતા દેશભરમાં છેલ્લા ચાર દિવસથી ૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. ગઇકાલે પણ સમગ્ર ભારતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ૩ લાખ ૪૦ હજાર થઇ છે.

કોરોનાની બીજી લહેરની તિવ્રતાથી મેડીકલ સર્વિસીસની તમામ વસ્તુઓ ખોરવાઇ ગઇ છે. પહેલા બેડ, રેમડીસીવર ઇજેકશન, દવા, ઓકસીજન સહિતની વસ્તુઓ માટે સરકાર સાથે હવે હોસ્પિટલ સંચાલકો તેમજ દર્દીઓ ભારે પરેશાન થઇ રહ્યા છે.

રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલમાં ઓકસીજનના અપૂરતી વ્યવસ્થાને કારણે દર્દીઓને દાખલ કરતા વિચારે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૦૦ બેડ, અન્ય ખાનગી હોસ્પિટલના કેટલાક બેડ ઓકસીજન સપ્લાય ન મળતા ચાલુ થઇ શકતા નથી.

રાજકોટમાં છેલ્લા બે દિવસથી પેથોલોજી લેબમાં હવે બ્લડ દ્વારા કોરોનાના રીપોર્ટ અને કોરોનાની અસર ઇન્ફેકશન અંગે કરાતા મુખ્ય બે રીપોર્ટની ટેસ્ટીંગ કીટની ભારે અછત સર્જાય છે. ગઇકાલથી અનેક પેથોલોજી લેબોરેટરીએ સીબીસી અને ડી-ડાયમરના ટેસ્ટીંગ બંધ કરી દીધા છે.

પેથોલોજીના નિષ્ણાંત - અનુભવી તબીબો કહે છે કે થોડા મહિના પહેલા એક લેબમાં દરરોજના ડી-ડાયમર ટેસ્ટ માત્ર ૧૦ થતા હતા. જ્યારે આજે ૮૦૦થી વધુ એક જ લેબમાં થાય છે. હવે અંદાજ લગાવીએ તો રાજકોટમાં અંદાજે ૧૨ થી ૧૪ હજાર ડી-ડાયમરના ટેસ્ટીંગ થતાં હશે.

પેથોલોજીના નિષ્ણાંત તબીબો કહે છે કે, ડી-ડાયમર તેમજ અન્ય બીનજરૂરી લોકો ટેસ્ટ કરાવે છે. ડોકટર પાસે પણ ડી-ડાયમર તેમજ અન્ય ટેસ્ટ કરાવવા આગ્રહ રાખે છે જે ન થવા જોઇએ. તબીબને યોગ્ય લાગે તો જ ટેસ્ટીંગ કરાવવું હિતાવહ ગણાય છે.

પેથોલોજી લેબના સંચાલક કહે છે કે હાલમાં સીઆરપી અને ડી-ડાયમર ટેસ્ટીંગ કીટની ભારે અછત છે. છેલ્લા કેટલાક સમયથી માંગમાં આવેલા તિવ્ર ઉછાળાને કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે. કંપની પાસે પણ સ્ટોક ન હોય. કાચા માલની વ્યવસ્થા કરવામાં પણ સમય લાગે છે. હાલની સ્થિતિ ટેસ્ટીંગ કીટ માટે કાચા માલની પણ અછત જોવા મળે છે.

રાજકોટની ૧૫૦ પેથોલોજી તેમજ અન્ય લેબ સેન્ટરો મળી હાલ ૪૦૦થી વધુ સેન્ટરોમાં સીઆરપી અને ડી-ડાયમર કીટની ભારે અછત જોવા મળે છે. કીટ માટે અનેક સ્થળોએ રજૂઆત કરી છે. ટેસ્ટીંગ કીટની અછત તુરંત હળવી કરવા પેથોલોજીસ્ટોની માંગ છે.

(3:16 pm IST)